(એજન્સી) બેંગ્લુરૂ, તા.ર૪
પત્રકાર ગૌરી લંકેશના હત્યા કેસની તપાસ કરી રહેલ વિશેષ તપાસ ટીમે (એસઆઈટી) અન્ય બે શંકાસ્પદોની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે કે જેથી તેમની સંડોવણી અન્ય ત્રણ બુદ્ધિજીવીઓ એમ.એમ.કલબુર્ગી, ગોવિંદ પાનસરે અને નરેન્દ્ર દાભોલકરની હત્યા કેસમાં હોવાની શક્યતાઓ અંગે જાણી શકાય. અમિત બદ્દી અને ગણેશ મિસ્કી નામના બે શંકાસ્પદોની આર્મ્સ એક્ટ હેઠળ હુબલીમાંથી ધરપકડ કરવામાં આવી છે અને તેમને ત્રીજી એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ (એસીએમએમ) કોર્ટ સમક્ષ ર૩ જુલાઈએ હાજર કરવામાં આવ્યા હતા. આ બન્નેને ૬ ઓગસ્ટ સુધી પોલીસ હિરાસતમાં મોકલી દેવામાં આવ્યા છે. અમિત અને ગણેશની ધરપકડ સાથે આ કેસમાં ધરપકડ કરાયેલા લોકોની સંખ્યા ૯ સુધી પહોંચી ગઈ છે. પત્રકાર અને કાર્યકર્તા ગૌરી લંકેશને તેમના ઘરની બહાર જ ગોળીઓ ધરબીને મારી નાંખવામાં આવ્યા હતા. અહેવાલ અનુસાર એસઆઈટીએ પણ મહત્ત્વપૂર્ણ સૂચનાઓ હજુ સુધી મેળવી નથી કે જેના મારફતે ત્રણ હત્યા કેસોનો ઉકેલ આવી શકે છે. હુબલીના એક નાના વેપારી અમિતની ધરપકડ, અન્ય ૭ ધરપકડ કરાયેલા એકની પૂછપરછ બાદ કરવામાં આવી હતી જ્યારે ગણેશની હિલચાલ પર નજર રાખ્યા બાદ પોલીસે તેને ઝડપી લીધો હતો.