(એજન્સી) બેંગ્લોર, તા.૧૪
કર્ણાટકની પત્રકાર ગૌરી લંકેશની (પપ) હત્યાની તપાસ કરી રહેલ સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમે (એસઆઈટી) શનિવારે શંકાસ્પદોના સ્કેચને બહાર પાડવામાં આવ્યા છે. પ સપ્ટેમ્બર ર૦૧૭ના રોજ રાજ રાજેશ્વરીનગરમાં આવેલા ગૌરીના ઘરમાં તેની હત્યા કરી દેવામાં આવી હતી. સરકારે આ હત્યા કેસની તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરી હતી કે જેને તપાસ કરતાં એક મહત્ત્વપૂર્ણ કડી મળી છે. એક પ્રેસ જાહેરાતમાં એસઆઈટીએ લોકોને આ શંકાસ્પદોની ઓળખ મેળવવા માટે મદદની અપીલ કરી છે. ટીમે લખ્યું છે કે, જાણીતા પત્રકાર ગૌરી લંકેશની હત્યાની તપાસ કરવા અંગે એક સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી છે. તપાસ દરમિયાન પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર આ કેસને લગતા ત્રણ શંકાસ્પદોના સ્કેચને તૈયાર કરાવવામાં આવ્યા છે. એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે આ વ્યક્તિઓ ગૌરી લંકેશના ઘરની નજીકના વિસ્તારમાં રોકાયા હતા. અમને મોટરસાયકલ ચલાવનાર એક વ્યક્તિની વીડિયોક્લિપ પણ મળી છે. જેની પણ ગૌરીના હત્યા કેસમાં સામેલ હોવાની આશંકા છે તેથી જાહેર જનતાને વિનંતી કરવામાં આવે છે કે આ શંકાસ્પદો અંગે જો કોઈની પણ પાસે માહિતી હોય તો તેઓ તપાસ ટીમ અથવા પોલીસનું તે અંગે ધ્યાન દોરે જે કોઈપણ વ્યક્તિ આને સંબંધિત માહિતી આપશે તેની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે તેને કોઈ પણ વ્યક્તિ સમક્ષ જાહેર કરવામાં આવશે નહીં. આવા વ્યક્તિએ આપેલી માહિતીને આધારે આ કેસના આરોપીઓની ધરપકડ કરી શકાશે અને આ પહેલાં જેમ સરકારે જાહેરાત કરી હતી તે પ્રમાણે તેને યોગ્ય પુરસ્કાર પણ આપવામાં આવશે. ઉપરાંત પ્રેસના સભ્યોને વિનંતી કરવામાં આવે છે કે, અપીલની મોટા પ્રમાણમાં જાહેરાત કરવામાં આવે. ગૌરી લંકેશ હત્યા કેસ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજને પણ બહાર પાડી છે કે જેમાં ગૌરી લંકેશના ઘરની બહાર દ્રશ્યો કેદ થયા છે અને એવું કહેવામાં આવ્યું છે કે તેની હત્યામાં સામેલ શંકાસ્પદોએ તેની હત્યા પહેલાં તેના ઘરની રેકી કરી હતી. આ કેસના પ્રત્યક્ષદર્શીએ આપેલી માહિતી અનુસાર આ શંકાસ્પદો ગુનાના લગભગ ૭ દિવસો પહેલાં જ આ વિસ્તારમાં જોવા મળ્યા હતા. આ કેસ અંગે વધુ માહિતી પ્રાપ્ત કરવા પોલીસે અત્યાર સુધીમાં રપ૦ લોકોની પૂછપરછ કરી છે. પપ વર્ષીય ગૌરી લંકેશ હિન્દુત્વવાદી વિચારસરણીની ઉગ્ર વિવેચક હતી જેની પ સપ્ટેમ્બરે તેના જ ઘરમાં ગોળીઓથી વિંધીને હત્યા કરી દેવામાં આવી હતી. પ્રાપ્ત થયેલ સીસીટીવી ફૂટેજમાં લંકેશને છાતી પર ગોળી મારનાર વ્યક્તિએ હેલ્મેટ પહેર્યું હોવાનું જોવા મળ્યું છે. સપ્તાહની શરૂઆતમાં કર્ણાટક સરકારે જણાવ્યું હતું કે ગૌરી લંકેશના હત્યારાઓની ઓળખ થઈ ચૂકી છે પરંતુ તેમના ગુનાઓને સાબિત કરવા માટે પોલીસ પુરાવાઓ એકઠા કરી રહી છે.