Sports

દાનિશ કનેરિયાને ભેદભાવ સહન કરવો પડ્યો તે એક શરમજનક વાત છે : ગૌતમ ગંભીર

નવી દિલ્હી, તા.૨૭
પાકિસ્તાનના ભૂતપૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરે એક શોમાં દાવો કર્યો હતો જે તેમના સાથી ખેલાડી દાનિશ કનેરિયા સાથે અમુક પાકિસ્તાની ક્રિકેટર્સ ભેદભાવ કરતા હતા અને સાથે જમવાનું પણ પસંદ કરતા નહોતા. જ્યારે શોએબની આ વાતનું દાનિશે પણ સમર્થન કર્યું. ત્યાર બાદ આ મુદ્દે ચર્ચા ગરમાઈ છે.
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર અને બીજેપી સાંસદ ગૌતમ ગંભીરે હવે આ મુદ્દે પોતાના વિચાર રજૂ કર્યા છે. શુક્રવારે ગૌતમ ગંભીરે મીડિયાને જણાવ્યું કે હિન્દુ હોવાના કારણે સાથી ખેલાડીઓ દ્વારા પક્ષપાત અને ખરાબ વર્તનનો ભોગ બનેલા પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાના આ નિવેદનથી પાકિસ્તાનનો અસલી ચહેરો સામે આવ્યો છે. ગંભીરે કહ્યું કે,‘ભારતમાં મોહમ્મદ અઝહરુદ્દીન જેવા કેપ્ટન રહ્યા છે જે લાંબા સમય સુધી ટીમના કેપ્ટન રહ્યા છે. આ એવા દેશમાં થઈ રહ્યું છે જેના વડાપ્રધાન ઇમરાન ખાન ખુદ એક ક્રિકેટર છે.’
ગોતમે વધુમાં જણાવ્યું કે,‘કનેરિયાએ પોતાના દેશ માટે ઘણા ટેસ્ટ મેચ રમ્યા છે. તેમ છતાં પણ તેને ભેદભાવ સહન કર્યો પડ્યો તો આ એક શરમજનક વાત છે.’ આપને જણાવી દઈએ કે આ પહેલા કનેરિયાએ શોએબની વાતનું સમર્થન કરતા કહ્યું હતું કે,‘શોએબ મારા ભાઈ છે અને એક મહાન ખેલાડી છે. તે તેમની બોલિંગની જેમ જ વાતો પણ સાફ-સાફ કરે છે. પહેલા મને આ અંગે બોલવાની હિમ્મત નહોતી પરંતુ હવે શોએબ ભાઈના નિવેદન બાદ મારી હિમ્મત વધી છે.’