નવી દિલ્હી, તા.૧૦
પૂર્વ કપ્તાન સુનીલ ગાવસ્કર અને બીસીસીઆઈની કોમેન્ટેટર પેનલમાં સામેલ અન્યને શપથપત્ર આપવો પડશે કે તેમનો લોઢા પેનલની ભલામણો અનુરૂપ કોઈપણ પ્રકારના હિતોનો ટકરાવ નથી. બીસીસીઆઈ પોતાના કોમેન્ટેટરો માટે ચાર નામે પર સહમત છે જેમાં સુનીલ ગાવસ્કર, સંજય માંજરેકર, મુરલી કાર્તિક અને હર્ષા ભોગલે સામેલ છે. જો કે બીસીસીઆઈએ સત્તાવાર રીતે આ ચારેય નામોની જાહેરાત કરી નથી. કારણ કે સીઓએ સભ્ય ડાયના એડુલજીએ કહ્યું કે હિતોના ટકરાવ સંબંધિત બધા મુદ્દા પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેમણે પત્રકારોને કહ્યું કે અમે નામો પર ચર્ચા કરી પણ તેના પર અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. અમારે હિતોના ટકરાવના નિયમને સારી રીતે સમજવાની જરૂર છે અમે હજી પણ નથી જાણતા કે કોના શું હિત છે પણ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે બધા નામો ઉપર સહમતી થઈ ગઈ છે પણ ચારેય કોમેન્ટેટરોએ શપથપત્ર પર હસ્તાક્ષર કરવા પડશે. તેમણે એ જાહેર કરવું પડશે કે તેમના ખેલાડીઓના મેનેજમેન્ટ સાથે જોડાયેલી કોઈપણ ફર્મ સાથે કોઈ સંબંધ નથી.