Sports

રોહિત બની શકે રિચડ્‌ર્સ-સેહવાગ પછીનો સૌથી વિનાશક બૅટ્‌સમૅનઃ ગાવસ્કર

મુંબઈ,તા.૧૨
વેસ્ટ ઇન્ડિઝ સામેની આખરી ટી-ટ્‌વેન્ટી મૅચ પહેલાંની બીજી મૅચમાં મૅચ-વિનિંગ અણનમ ૧૧૧ રન બનાવનાર અને છેલ્લી કુલ સાત મૅચમાં ત્રણ સદી નોંધાવનાર રોહિત શર્મા પર ભૂતપૂર્વ કૅપ્ટન સુનીલ ગાવસકર આફરીન છે.
પત્રકાર સાથે વાતચીતમાં સુનીલે કહ્યું કે, ‘રોહિત શર્મા જો મર્યાદિત ઓવરોવાળી ક્રિકેટની જેમ ટેસ્ટ-ક્રિકેટમાં પણ સતત સારું રમશે અને સદી પર સદી ફટકારશે તો તે વિવ રિચડ્‌ર્સ અને વીરેન્દર સેહવાગ પછીના વિશ્ર્‌વના સૌથી વિનાશક બૅટ્‌સમૅન તરીકે ગણાશે. રિચડ્‌ર્સ અને વીરુની જેમ રોહિત પણ એક વાર સારું રમવાની શરૂઆત કરે ત્યાર બાદ તેને કોઈ પણ બોલર કાબૂમાં રાખી કે રોકી શકતો નથી. વીરુની જેમ રોહિતમાં પણ મોટી સદીઓ ફટકારવાની ભૂખ જોવા મળે છે. જેમ વીરુ એક પછી એક બૉલને ફટકારીને બાઉન્ડરી લાઇનની બહાર મોકલતો ત્યારે મેદાન પર ગભરાટ છવાઈ જતો એવું રોહિત તેની આગવી સ્ટાઇલમાં ફટકાબાજી કરે છે ત્યારે જોવા મળે છે.’૩૧ વર્ષના રોહિતે ૧૯૩ વન-ડેમાં ૨૧ સેન્ચુરીની મદદથી ૭૪૫૪ રન, ૨૫ ટેસ્ટમાં ૩ સદીની મદદથી ૧૪૭૯ રન અને ૮૬ ઇન્ટરનેશનલ ટી-ટ્‌વેન્ટીમાં વિશ્ર્‌વવિક્રમી ૪ સદીની મદદથી ૨૨૦૩ રન બનાવ્યા છે.