(એજન્સી) નવી દિલ્હી, તા.૬
સેન્ટ્રલ સ્ટેટેટિક્સ ઓફિસ દ્વારા બહાર પાડવામાં આવેલા જીડીપી વિકાસના અનુમાન દરો અંગે મોદી સરકાર ઉત્સાહિત છે ત્યારે પૂર્વ નાણા મંત્રી પી.ચિદમ્બરમે કહ્યું કે તાજેતરના આંકડાઓ આર્થિક મંદીની સાબિતી આપે છે. જીડીપી વિકાસ જખમ પર ચિદમ્બરમેે મીઠું ભભરાવ્યું, કહ્યું, તંદુરસ્ત વિકાસના દાવાનું બાપ્ષીભવન થયું. સીએસઓ દ્વારા આંકડાઓ બહાર પાડ્યાના એક દિવસ બાદ ચિદમ્બરમે કહ્યું કે આર્થિક મંદીનો મોટો ડર સાચો પડ્યો છે. મોદી સરકારના તંદુરસ્ત જીડીપી વિકાસના દાવાઓ હવામાં ઉડી ગયાં છે. તેમણે કહ્યું કે સુગર કોટિંગ, ખોટા દેખાડા અને વાણીવિલાસ કડવી વાસ્તવિકતાને ન છુપાવી શકે. તેમણે એક બયાન જારી કરતાં કહ્યું કે ૨૦૧૫-૧૬માં જીડીપી વિકાસ દર ૮.૦ ટકા, ૨૦૧૭-૧૮ માં ૬.૫ ટકા રહ્યો છે. આ આંકડાઓ આર્થિક મંદી તરફ ઈશારો કરે છે. તેમણે કહ્યું કે આર્થિક ગતિવિધિઓમાં ઘટાડો અને વિકાસનો અર્થ લાખો નોકરીઓ ગુમાવવો છે. તેમણે કહ્યું કે નવી યોજનાઓની જાહેરાતમાં ઘટાડો જોવા મળ્યો છે, નવું રોકાણ આવી રહ્યુ નથીં. ઔપચારિક સેક્ટરો હજુ પણ નોટબંધીની માર ખાઈ રહ્યાં છે, લાખો નોકરીઓ છીનવાઈ ગઈ. મેન્યુફેક્ચરિંગ સેક્ટર મંદ પડ્યું, કૃષિ ક્ષેત્ર પર માઠી અસર થઈ. ગ્રામીણ વિસ્તારોમાં હતાશા અને મંદીનુ મોજું પ્રવર્તી રહ્યું છે. સીએઓ આંકડાઓમાંથી ૧૦ માઠા તારણો તારવતાં ચિદમ્બરમે મોદી સરકારની ઝાટકણી કાઢતાં કહ્યું કે તાજેતરનો સામાજિક અસંતોષ આ આર્થિક મંદીનો સીધો દેખાડો છે. જેને સરકારે છુપાવી રહી છે. હવે સમય આવ્યો છે કે સરકાર મોટા-મોટા દાવાઓ બંધ કરીને નક્કર કામ કરે તે જરૂરી છે. પૂર્વ નાણામંત્રીએ કહ્યું કે બેવડા આઘાતમાં નવેમ્બરમાં છૂટક મોંઘવારીનો દર ૧૫ મહિનાની ઉચ્ચ સપાટી ૪.૮૮ ટકાએ પહોંચ્યો હતો. અને ઓક્ટોબરમાં ઔદ્યોગિક ઉત્પાદન ત્રણ મહિનાની નીચી સપાટીએ ૨.૨ ટકાએ રહ્યું. તેમણે કહ્યું કે ભાજપ સરકારની સૌથી મોટી નિષ્ફળતા રોજગારી સર્જનની રહી છે. મંદી ટાણે તમે કેવી રીતે નોકરીઓનું સર્જન કરશો. અને દર વર્ષે ૨ કરોડ નોકરીઓ આપવાનું વચન કેવી રીતે પૂરું કરી શકશો. આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધતાં જીડીપીને ગ્રોસ ડિવિસીવ પોલિટિક્સ ગણાવ્યું હતું.