વડોદરામાં પ્લાસ્ટિકની થેલી તપાસવાનું ગેજમશીન પાલિકા પાસે ઉપલબ્ધ નથી !

(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૫
પ્લાસ્ટિક પ્રદુષણ મુકત કરવાના ઝુંબેશ હેઠળ પાલિકા દ્વારા રોજ ૫૦ માઇક્રોનથી પાતળી પ્લાસ્ટિકની થેલી પર પ્રતિબંધ ફરમાવવા સાથે ઠેર-ઠેર તેનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે પ્લાસ્ટિકની થેલી ૫૦ માઇક્રોનથી પાતળી છે કે નહી તે તપાસવાનું ગેજ મશીન પાલિકા પાસે ઉપલબ્ધ નથી. ત્યારે હાલ થતી કામગીરીઓ પર સવાલ ઉભા થઇ ગયા છે. વિશ્વ પર્યાવરણ દિન તા.૫ જુનના રોજ મ્યુનિસિપલ કમિશ્નર ડો. વિનોદ રાવે શહેરમાં પાતળી પ્લાસ્ટીકની થેલીનાં ઉત્પાદન વેચાણ કે સંગ્રહ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. તેનું વેચાણ કરનાર સામે કાયદાકીય પગલા લઇ શકાય છે. કમિશ્નરની સુચનાના આધારે હાલ પ્રત્યેક વોર્ડમાં આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશ્નરની આગેવાનીમાં તપાસ થઇ રહી છે. જેમાં રોજ પ્લાસ્ટિકના જથ્થાનો નાશ તેમજ સિઝ કરવાની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. મહત્વનું છે કે, પ્લાસ્ટિકની થેલીના માઇક્રોન માપવાનું મશિન કોર્પોરેશન પાસે નથી જેનાથી પ્લાસ્ટીકની વસ્તુની જાડાઇ માપી શકાય. ગેજ મીટર વગર તંત્ર દ્વારા કરવામાં આવતા ચેકીંગ મામલે હવે વિવાદ ઉભો થવાની ધારણા છે. કેટલીક જગ્યાએ ૫૦ માઇક્રોનથી જાડા હોય તેવા પ્લાસ્ટીક પણ કર્મચારીઓ આવીને સીઝ કરી જતાં હોવાની બૂમો ઉઠવા પામી છે. તો પ્લાસ્ટીકને અડકીને તેઓ તેના માઇક્રોનનો અંદાજ લગાવી દેતા હોય છે. કોર્પોરેશનની ઉણપ મામલે અધિકારીઓ જીપીસીબી પર જવાબદારી સોંપી રહ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts