ઘરકંકાસમાં માતાએ બે બાળકો સાથે અગનપિછોડી ઓઢી

અમદાવાદ,તા. ૫
શહેરના ઓઢવ વિસ્તારમાં રબારી કોલોની પાસે આજે એક માતાએ લગ્નજીવનની તકરારમાં આવેશમાં આવી જઇ પોતાના બે સંતાનો સાથે અગનપિછોડી ઓઢી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ગંભીર રીતે દાઝી જવાના કારણે માતાનું ઘટનાસ્થળે મોત નીપજયું હતું. જયારે બંને સંતાનોના પણ પાછળથી સારવાર દરમ્યાન મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં ઘેરા શોક અને અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના ઓઢવ વિસ્તારમાં રબારી કોલોની ખાતે સુશીલાબહેન ગોસ્વામી તેમના પતિ નંદુ અને બે સંતાનો કપિલ(ઉ.વ.૨) અને નંદિની(ઉ.વ.૫) સાથે ભાડાના મકાનમાં રહેતા હતા. પતિ-પત્ની વચ્ચે અવારનવાર તકરાર થતી રહેતી હતી. માતા સુશીલા દ્વારા અવારનવાર બાળકોને માર મારવામાં આવતો હતો, જે મુદ્દે પણ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતો હતો. આજે સવારે પણ પતિ નંદુ સાથે તકરાર થતાં તેના નોકરીએ ગયા બાદ પત્ની સુશીલાબહેને આવેશમાં આવી જઇ શરીરે કેરોસીન છાંટી પોતાની સાથે પોતાના અઢી વર્ષ અને પાંચ વર્ષના બે સંતાનો સાથે આત્મદાહ ચાંપી દીધો હતો. માતા અને સંતાનો આગની જવાળાઓમાં લપટાઇ જતાં તેમની ચીસો અને આક્રંદથી સ્થાનિક રહીશો પણ દોડી આવ્યા હતા. જો કે, માતા અગનજવાળાઓમાં ગંભીર રીતે દાઝી ગઇ હોવાથી તેનું ઘટનાસ્થળે જ મોત નીપજયુ હતુ, જયારે બીજીબાજુ તેના બંને સંતાનોને તાત્કાલિક ધોરણે નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, નાના ફુલ જેવા માસૂમ બાળકો પણ અગનજવાળાઓમાં ગંભીર રીતે દાઝી ગયા હોવાથી તેમનું પણ પાછળથી સારવાર દરમ્યાન કરૂણ મોત નીપજયું હતુ. માતાએ પોતાના બે સંતાનો સાથે અગનપિછોડી મોત વ્હાલુ કરી લીધાના સમાચારને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને સાથે સાથે ભારે શોક અને અરેરાટીની લાગણી પણ ફેલાઇ ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ ઓઢવ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને પંચનામું કરી જરૂરી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં પતિ-પત્ની વચ્ચેની તકરાર અને ગૃહકલેશના કારણે માતાએ સંતાનો સાથે સળગી જઇ આત્મહત્યા કરવાનું પગલું આવેશમાં ભર્યુ હોવાની વિગતો સામે આવી રહી છે. જો કે, તેમછતાં પોલીસે મરનારના પતિ અને આડોશપાડોશના લોકો સહિતના નિવેદનો લઇ આ સમગ્ર પ્રકરણમાં તપાસ જારી રાખી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks