(એજન્સી) બેંગ્કોક, તા.૭
થાઈલેન્ડની ગુફામાં ફસાયેલા ૧૨ બાળકો અને તેમના કોચના જીવ પર જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ જોખમ વધી રહ્યું છે.
રેસ્ક્યુ ટીમ તેમને બચાવવા માટે પ્રયાસો કરી રહી છે પણ હજી સુધી તેમને કોઈ સફળતા મળી નથી. અધૂરામાં પૂરું બગડેલા હવામાને રેસ્ક્યુ ઓપરેશનને જ જોખમમાં મૂકી દીધું છે. ખરાબ હવામાનના કારણે ગઈકાલે રેસ્ક્યુ ઓપરેશનને રોકવું પડ્યું હતું તો બીજી તરફ ગુફામાં ઓક્સિજન પણ ઘટી રહ્યું છે. હવામાન વિભાગે આગામી ૭ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. જેના કારણે ગુફામાં પાણી વધવાની આશંકા છે. જેના કારણે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવું વધારે મુશ્કેલ બની જશે. ચીનની એક રેસ્ક્યુ ટીમ હાલમાં મદદ કરી છે. આ ટીમના પ્રમુખ વાંગ યિંગીએ કહ્યું હતું કે, બીજા વિકલ્પો પર વિચારણા કરાઈ રહી છે. અત્યાર સુધી પાણીમાં ધીરે ધીરે આગળ વધીને બાળકોને બહાર કાઢી લેવાની યોજના હતી પણ હવે આ પ્લાનમાં બદલાવ કરવો પડે તેમ છે. કારણ કે ઓક્સિજનનું લેવલ ૧૩ ટકાથી ઓછું થાય તો બાળકોના જીવ પર જોખમ સર્જાઈ શકે છે. હાલમાં અમારા પ્રયત્નો એવા છે કે બાળકોને ગુફામાં જ અન્ય કોઈ સલામત જગ્યાએ મોકલી શકાય. ઉપરાંત ગુફામાં પાઈપ વડે ઓક્સિજન પહોંચાડવા પર પણ વિચારણા થઈ રહી છે. આ માટે ગુફામાં પાંચ કિલોમીટરનો પાઈપ બિછાવવાની યોજના છે. ઉલ્લેખનીય છે કે, ગુફામાં રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન એક ડ્રાઈવરનું પણ ગઈકાલે મોત નીપજી ચૂક્યું છે.