ગીર-સોમનાથ જિલ્લામાં ભાજપના સુપડાં સાફ : ચારેય બેઠકો પર કોંગ્રેસનો કબજો

કોડીનાર,તા.૧૮
ગીર-સોમનાથ જિલ્લાની ૪ વિધાનસભા બેઠકો માટે આજે યોજાયેલી મતગણતરી બાદ આવેલા પરિણામોમાં જિલ્લાની ચારેય બેઠકો ઉપર કોંગ્રેસે કબજો કરતા ગીર-સોમનાથમાં ભાજપનો સંપૂર્ણ સફાયો થયો છે.
ગીર-સોમનાથની ચાર બેઠકો પૈકી સોમનાથ બેઠક ઉપર કોંગ્રેસના વિમલ ચુડાસમાએ ભાજપના રાજય મંત્રી જશા બારડને ર૦૪પ૦ મતે કારમો પરાજય આપ્યો હતો. સોમનાથ બેઠકમાં વિમલ ચુડાસમાને ૯૪૯૧૪ મત જયારે જશા બારડને ૭૪૪૬૪ મતો મળ્યા હતા.
જયારે તાલાલા બેઠક ઉપર કોંગ્રેસના ભગવાનભાઈ બારડે, ભાજપના ચાલુ ધારાસભ્ય ગોવિંદ પરમારને ૩૧૬૪૬ જેટલા જંગી મતોની સરસાઈથી પરાજયનો સ્વાદ ચખાડયો હતો. તાલાલા બેઠકમાં કોંગ્રેસના ભગવાન બારડને ૮પ૧૯ર મત અને ભાજપના ગોવિંદ પરમારને પ૩પ૪૬ મતો મળ્યા હતા.
જયારે કોડીનાર બેઠક ઉપર કોંગ્રેસના મોહનભાઈવાળાએ ભાજપના રામભાઈ વાઢેરને ૧૪૭૬૦ મતે પરાજય આપી ભાજપના ગઢ કોડીનારમાં કોંગ્રેસનું કમબેક કરાવ્યું છે. કોડીનાર બેઠકમાં કોંગ્રેસના મોહનવાળાને ૭૧૮૦૯ મત અને ભાજપના રામભાઈ વાઢેળને પ૭૦૪૯ મત મળ્યા હતા.
જયારે ઉના બેઠક ઉપર કોંગ્રેસના ચાલુ ધારાસભ્ય પુંજાભાઈ વંશે ભાજપના હરી સોલંકીને ૪૯ર૮ મતે પરાજય આપી બેઠક જાળવી રાખી હતી. ઉના બેઠકમાં કોંગ્રેસના પુંજાભાઈ વંશને ૭ર૭૭પ મત અને ભાજપના હરી સોલંકીને ૬૭૮૪૭ મત મળ્યા હતા.
ગીર-સોમનાથ જિલ્લામાં કોંગ્રેસે સોમનાથ, કોડીનાર અને તાલાલા બેઠક ભાજપ પાસેથી આંચકી લીધી છે અને ઉના બેઠક જાળવી રાખવામાં સરળતા મેળવી છે. ગીર-સોમનાથની ચારેય બેઠકો મેળવવા ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રાંચી ખાતે ચૂંટણી સભા યોજાઈ હતી. તેમજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ કોડીનાર અને વેરાવળમાંસભા સંબોધી હોવા છતાં ગીર-સોમનાથની પ્રજાએ તેમને સંપૂર્ણ જાકારો આપી ભાજપના સુપડા સાફ કરતા મોદી-શાહની રેલી નિષ્ફળ નીવડી હોવાનું પ્રતિત થઈ રહ્યું છે.

કોડીનારમાં ભાજપની કારમી હારના મુખ્ય ચાર કારણો

કોડીનાર,તા.૧૮
ભાજપની ગઢ ગણાતી કોડીનાર બેઠક ભાજપે ગુમાવી દેતા રાજકીય પંડિતો આ ભાજપની હારના ચાર મુખ્ય કારણો ગણી રહ્યા છે.
કોડીનાર રર વર્ષથી ભાજપનો ગઢ રહ્યો છે, અને સમગ્ર કોડીનાર શહેર સાથે તાલુકા ભરમાં દરેક સહકારી સંસ્થાઓમાં ભાજપનું એકચક્રી શાસન રહ્યું છે. ત્યારે કોડીનાર ભાજપ માટે આજની હાર આંચકા સમાન છે. કોડીનારમાં ભાજપની હારના મુખ્ય કારણોમાં પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીની ચૂંટણી સમયે જ કોડીનારમાં ગેરહાજરી ભાજપ માટે સૌથી મોટા ફટકા સમાન સાબિત થઈ છે. આ ઉપરાંત ભાજપે કોડીનારની સિટીંગ ધારાસભ્ય જેઠા સોલંકીની ટિકિટ કાપતા, જેઠા સોલંકી જૂથની નારાજગીએ પણ હારમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત ખેડૂતોનો અસંતોષ અને કોંગ્રેસે કરેલી ખેડૂતોની દેવા માફીની જાહેરાત પણ ભાજપની હારમાં મહત્વની ભૂમિકા ભજવી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks