(એજન્સી) નવી દિલ્હી, તા.૭
કૈલાશ માનસરોવરની યાત્રા પર ગયેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેમણે કહ્યું કે, શિવ જ બ્રહ્માંડ છે. તેમની અન્ય તીર્થયાત્રીઓ સાથે વાત કરતી તસવીર પણ સામે આવે છે. તેમની એક તસવીરને શેર કરતા કેન્દ્રીય મંત્રી ગિરીરાજસિંહે તસવીર ફોટોશોપ કરેલી હોવાનો આરોપ મૂક્યો હતો. જે બાદ સોશિયલ મીડિયા પર કેન્દ્રીય મંત્રી લોકોની ટીકાનો ભોગ બન્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ર૬ એપ્રિલના રોજ કર્ણાટકની યાત્રા દરમિયાન વિમાનમાં તકનિકી ભૂલને કારણે વિમાનનું સંતુલન ખોરવાયું હતું. જો કે પાયલટએ પરિસ્થિતિ પર કાબૂ મેળવતા સફળ ઉતરાણ કર્યું હતું. આ ઘટનાના ત્રણ દિવસ બાદ ર૯ એપ્રિલના રોજ એક જાહેર સભા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષએ કૈલાશ માનસરોવરની યાત્રાની ઘોષણા કરી હતી.
કેન્દ્રીય મંત્રીએ દાવો કર્યો હતો કે, તેમને ઈડીનો પડછાયો દેખાઈ રહ્યો ન હોવાથી આ ફોટોશોપ કરેલી તસવીર છે. પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સે તેમની સાથે અન્ય વીડિયો અને તસવીરો શેર કરી ધ્યાનથી જોવા સૂચન કર્યું હતું.