National

ભાજપ ધારાસભ્યના નિધન બાદ, ગોવામાં કોંગ્રેસનો સરકાર રચવા દાવો

(એજન્સી) પણજી, તા. ૧૬
ભાજપના ધારાસભ્ય ફ્રાન્સિસ ડિસોઝાના નિધનને પગલે ગોવામાં મનોહર પારિકરના શાસનવાળી સરકારે વિધાનસભામાં બહુમતી ગુમાવતા કોંગ્રેસે રાજ્યમાં સરકાર રચવાનો દાવો કર્યો છે. ગોવાના રાજ્યપાલ મૃદુલા સિંહાને એક પત્રમાં વિપક્ષના નેતા ચંદ્રકાંત કેવલેકરે સરકાર રચવાનો દાવો કર્યો છે અને ભાજપની આગેવાનીવાળી સરકારને બરતરફ કરવા માટે આગ્રહ કર્યો છે. ડિસોઝાના નિધન અને બે ધારાસભ્ય સુભાષ શિરોડકર તથા દયાનંદ સોપટેના રાજીનામા બાદ ગોવા વિધાનસભાનું સંખ્યાબળ ૪૦માંથી ઘટી ૩૭ થઇ ગયું છે. જ્યારે કોંગ્રેસ પાસે હાલ ૧૪ ધારાસભ્યો છે જે સોપટેના રાજીનામા પહેલા ૧૬ હતી. સોપટે કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થતા તેની સંખ્યા ૧૩ છે.
ગોવા ફોરવર્ડ પાર્ટીના ત્રણ ધારાસભ્યો, એમજીપી અને સ્વતંત્ર તથા એનસીપીના એકમાત્ર ધારાસભ્યનો ભાજપને ટેકો છે. રાજ્યપાલ સાથેની મુલાકાતમાં કેવલેકરે કહ્યું હતું કે, ભાજપના ધારાસભ્ય ફ્રાન્સિસ ડિસોઝાના દુઃખદ અવસાનને પગલે લાંબા સમયથી લોકોનો વિશ્વાસ ગુમાવી બેઠેલી મનોહર પારિકરની આગેવાનીવાળી ભાજપ સરકારે વિધાનસભામાં પોતાની બહુમતી ગુમાવી છે. તેમના પત્રમાં જણાવ્યું હતું કે, ભાજપને સરકારમાં રહેવાનો કોઇ હક નથી. પત્રમાં લખાયું છે કે, અમારૂં અનુમાન છે કે, ભાજપની સંખ્યામાં વધુ ઘટાડો થશે અને લઘુમતીમાં આવનારી આ પ્રકારની પાર્ટીને સત્તામાં ચાલુ રહેવાની પરવાનગી આપવામાં આવવી જોઇએ નહીં. આ માટે રાજ્યપાલ નિર્ભર છે કે, તેઓ ભાજપના નેતૃત્વવાળી રાજ્ય સરકારને બરખાસ્ત કરે અને એ ખાતરી કરે કે સદનમાં સૌથી મોટી પાર્ટી તરીકે કોંગ્રેસને સરકાર બનાવવા માટે બોલાવવામાં આવે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, આ માટે અમે રાજ્યમાં સરકાર બનાવવા માટે પોતાનો દાવો રજૂ કરી રહ્યા છીએ અને માગ કરીએ છીએ કે, ભાજપના નેતૃત્વવાળી સરકારને બરતરફ કરીને અમને તાત્કાલિક સરકાર બનાવવા માટે આમંત્રિત કરવામાં આવે.
દરમિયાન ગોવા ભાજપના અધ્યક્ષ વિનય તેન્ડુલકરે કહ્યું છે કે, પાર્ટીના તમામ ધારાસભ્યોને બેઠકમાં સામેલ થવા માટે બોલાવવામાં આવ્યા છે. તેમના અનુસાર રાજ્યમાં બધું બરાબર છે. કોંગ્રેસ જ્યારે ઇચ્છે ત્યારે સરકાર બનાવી શકે નહીં. એપ્રિલમાં ગોવામાં પેટાચૂંટણી થવાની છે. પાર્ટીએ તે માટે પણ તૈયારી કરવાની છે પણ અમને કોંગ્રેસની ચિંતા નથી. ઉલ્લેખનીય છે કે, ગોવાના પૂર્વ ઉપમુખ્યમંત્રી ફ્રાન્સિસ ડિસોઝાનું તાજેતરમાં જ નિધન થયું હતું. ૬૪ વર્ષના ડિસૂઝા કેન્સરની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. તેમની અમેરિકામાં સારવાર કરવામાં આવી હતી. તેઓ ગોવા રાજીવ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ૧૯૯૯માં ગોવા વિધાનસભા માટે ચૂંટાયા હતા બાદમાં તેઓ ભાજપમાં સામેલ થયા હતા. તેઓ ૨૦૦૨, ૨૦૦૭, ૨૦૧૨ અને ૨૦૧૭માં પણ ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતા. ૨૦૧૨માં મનોહર પારિકરના નેતૃત્વવાળી ભાજપ સરકાર બનતા તેમને રાજ્યના ઉપમુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરાયા હતા.