અમદાવાદ, તા.ર૭
ગોધરામાં વર્ષ ર૦૦રમાં ટ્રેન સળગાવવા કેસ મામલે સોમવારે સાબરમતી જેલની સ્પેશિયલ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં એસઆઈટીની સ્પેશિયલ કોર્ટે ઈમરાન શેરૂ અને ફારૂખ ઉર્ફે ભાણો આ બે આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. બેને આજીવન કેદની સજા સંભળાવી છે. એ સાથે જ અન્ય ત્રણને નિર્દોષ જાહેર કર્યા છે. તેમને શંકાનો લાભ આપીને કોર્ટે છોડી મૂકયા હતા. કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવેલામાં ઈમરાન શેરૂ અને ફારૂક ભાણાનો સમાવેશ થાય છે. વર્ષ ર૦૦રમાં થયેલા ગોધરા ટ્રેનકાંડ મુદ્દે એસઆઈટીની સ્પેશિયલ કોર્ટે ચુકાદો આપ્યો છે જેમાં બેને દોષિત અને ત્રણને નિર્દોષ જાહેર કરાયા છે. એસઆઈટી કોર્ટમાં હુસૈન સુલેમાન, કાસમ ભેમેડી, ફારૂક ધતિયા, ફારૂક ભાણો, ઈમરાન ઉર્ફે શેર ભટુકની વિરૂદ્ધ સુનાવણી ચાલી હતી. વર્ષ ર૦૦ર ગોધરા કાંડ મુદ્દે છ આરોપીઓમાંથી એક અબ્દુલગની પાટડિયાનું મોત થઈ ચૂકયું છે. આ કેસમાં સંડોવાયેલા પાંચ આરોપીઓ વર્ષ ર૦૦રથી ફરાર હતા અને ર૦૧પ-૧૬માં આ પાંચેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. મહત્ત્વની બાબત એ છે કે, પાછળથી પકડાયેલા આરોપીઓએ ગુનાહિત ભૂમિકા ભજવી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આ કેસમાં સરકારી વકીલ દ્વારા કોર્ટમાં મૂકાયેલા દસ્તાવેજી પુરાવાઓ અને સાક્ષીઓના આધાર પર બે લોકોને દોષિત સાબિત કર્યા છે. આ વકીલોએ આરોપીઓને મહત્તમ સજા દેવાની કોર્ટ પાસેથી માંગ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, ફેબ્રુઆરી ર૦૧૧માં ૯૪ આરોપીઓ સામે કોર્ટે ચુકાદો જાહેર કર્યો હતો જેમાં ૩૧ આરોપીઓને કોર્ટે દોષિત ઠેરવી ૧૧ આરોપીઓને ફાંસી અને ર૦ને આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારબાદ હાઈકોર્ટમાં અપીલ થતાં કોર્ટે ૧૧ આરોપીઓની મૃત્યુદંડની સજાને આજીવન કેદમાં ફેરવી હતી. જ્યારે સરકારે ૬૩ લોકોને મુક્ત કરવાના મુદ્દે પડકાર્યો હતો જ્યારે સરકારે ભોગ બનનારાને ૧૦ લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો.