(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧૪
ર૦૦રના અત્યંત ચકચારી સાબરમતી એક્સપ્રેસના ડબાને સળગાવી દેવાના બનાવના બરાબર ૧૭ વર્ષ બાદ ઘટનામાં મૃત્યુ પામેલ બાવન વ્યક્તિઓના વારસદારોને રૂા.પ લાખની સહાય ચૂકવવાનો ગુજરાત સરકારે આજે નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે આ સહાય ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન જાહેર કરી હોવાની સ્પષ્ટતા કરી છે, ત્યારે આશ્ચર્ય સાથે પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે તો પછી હાઈકોર્ટનો ચુકાદો છતાં આ નિર્ણય લેવામાં દોઢેક વર્ષ જેટલા લાંબો સમય સરકારને કઈ રીતે લાગ્યો ?
ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના ડબ્બાને આગ લગાડવાના બનેલ બનાવમાં વારસદારોને સહાય રૂપ થવા સરકારે સંવેદનશીલ નિર્ણય લઇ વારસદારોને રૂા.૫ લાખની સહાય ચુકવવાનો નિર્ણય કર્યો છે. આ માટે રૂા.૨૬૦ લાખની સહાય મુખ્ય મંત્રી રાહત ફંડમાથી ચુકવવામાં આવશે.
તેમણે ઉમેર્યું કે, ગુજરાત હાઈકોર્ટના ક્રિમીનલ અપીલ નં. ૫૫૬/૨૦૧૧માં તા.૦૯/૧૦/૨૦૧૭ના ચુકાદાથી તા.૨૭/૦૨/૨૦૦૨ના રોજ ગોધરા રેલવે સ્ટેશન ખાતે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના ડબ્બાને આગ લગાડવાના બનેલ બનાવમાં મૃત્યુ પામેલાના વારસદારોને તથા ઈજાગ્રસ્ત થયેલ તમામને સહાય ચુકવવા આદેશ કર્યો હતો જે ચુકાદા અનુસાર, બનાવમાં મૃત્યુ પામેલ વ્યક્તિઓના વારસદારોને રાજ્ય સરકાર દ્વારા રૂા.૫ લાખ તથા રેલ્વે મંત્રાલય દ્વારા રૂા. ૫ લાખ ચુકવવાના થાય છે. જે અનુસાર રાજ્ય સરકારે તમામ મૃતકોના વારસદારોને રૂા. પાંચ લાખ સહાય ચુકવવાનો નિર્ણય કર્યો છે.
તેમણે ઉમેર્યુ કે, ગોધરાના આ બનાવમાં કુલ ૫૯ વ્યકિતઓ મૃત્યુ પામ્યા હતા. તે પૈકી કુલ બાવન વ્યક્તિઓની ઓળખ થઇ છે અને ૭ વ્યક્તિઓની ઓળખ થઇ નથી. જેથી મૃત્યુ પામેલ બાવનના વારસદારોને રૂા.૫ લાખ લેખે કુલ રૂા.૨૬૦ લાખની સહાય ચુકવવા માટે મુખ્ય મંત્રીના રાહત ફંડમાંથી સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરીટીના હવાલે નાણાં મુકવામાં આવ્યા છે.
ગુજરાત સરકારે આટલા વર્ષો પછી મૃતકોના વારસદારોને સહાય માટેનો નિર્ણય લેતાં તેને લઈને પ્રશ્નો ઊભા થવા સાથે ચર્ચાઓ શરૂ થઈ જવા પામી છે. પ્રશ્ન એ ઊભો થયો છે કે તા.૯-૧૦-ર૦૧૭એ હાઈકોર્ટે ચુકાદો આપ્યો તેના પછી સહાય આપવામાં આટલો વિલંબ કેમ ? જો ખરેખર જ સંવેદનશીલ સરકાર વારસદારોને સહાય કરવા ઈચ્છતી હતી તો ત્યારે નહીં અને હવે છેક દોઢેક વર્ષ જેટલા વિલંબ બાદ નિર્ણય લેવાયો તો તેની પાછળ લોકસભા ચૂંટણી ઈફેક્ટ હોવાની પણ ચર્ચા થઈ રહી છે.