(એજન્સી) બાંસવારા, તા.૧
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગીના ગૃહ જિલ્લા ગોરખપુરમાં આવેલ બાબા રાઘવદાસ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં બાળકોના મોતના સમાચારોની શાહી હજુ સુકાઈ નથી એ પહેલાં જ રાજસ્થાનના બાંસવારાથી સમાચારો આવ્યા છે. બાંસવારાના ગાંધી ચિકિત્સાલયમાં છેલ્લા પ૧ દિવસોમાં ૮૧ બાળકોના મોત થયા છે. જો કે આ મામલાની તપાસ થઈ રહી છે. આ બન્ને રાજ્યોમાં ભાજપની સરકાર છે. મીડિયા અહેવાલો મુજબ ડૉક્ટરોનું કહેવું છે કે, મૃત્યુ માટે કુપોષણ જવાબદાર છે. આ ઘટના પછી બાંસવારાના સીએમએચઓએ કહ્યું છે કે અમારી ટીમ પ્રયત્યેક કેસની જુદી જુદી તપાસ કરી રહી છે અને તપાસ પૂરી થયા પછી કંઈ કહી શકાશે. ઝારખંડમાં પણ બે મેડિકલ હોસ્પિટલોમાં આ વર્ષે હજુ સુધી ૮૦૦થી વધુ બાળકોના મોત થયા છે. અહેવાલો મુજબ વધુ મૃત્યુની ઘટનાઓ ઈન્સેફલાટિસના કારણે થઈ છે. આ વર્ષે હજુ સુધી રાજેન્દ્ર ઈન્સ્ટીટયુટ ઓફ મેડિકલ સાયન્સમાં ૬૬૦ બાળકોના મૃત્યુ અને જમશેદપુરના મહાત્મા ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં ૧૬૪ બાળકોના મોત થયા હોવાના અહેવાલો છે.