અમદાવાદ, તા.૨૨
તા.૨૪મી ડિસેમ્બરે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન છે. તા.૨૪-૧૨-૧૯૮૬ના રોજ તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીના કાર્યકાળ દરમ્યાન લોકસભામાં ગ્રાહકોના હિતમાં ગ્રાહક સુરક્ષા ધારો પસાર કરાયો હતો. તા.૨૪મી ડિસેમ્બરે ગ્રાહક સુરક્ષા ધારાને ૩૧ વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે એટલું જ નહી, ૧૯૮૯-૯૦માં ગુજરાત રાજયમાં સ્ટેટ કમીશન અને શહેર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમોની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારથી લઇ અત્યારસુધીના ૨૬ વર્ષોના ગાળામાં રાજયની કુલ ૩૮ ગ્રાહક ફોરમોમાં માત્ર ૨,૧૯,૩૦૩ ગ્રાહકોએ ફરિયાદ દાખલ કરી છે. જેમાં અમદાવાદ શહેર-જિલ્લાની ફોરમોમાં પાછલા ૨૬ વર્ષોમાં માત્ર ૪૮,૫૮૫ ફરિયાદો દાખલ થવા પામી છે. ગ્રાહક જાગૃતિના સ્તરના આ આંકડા ઘણા ચોંકાવનારા અને આઘાતજનક છે કારણ કે, અમદાવાદ શહેરમાં અંદાજે એક કરોડની કુલ વસ્તી સામે દરરોજ માત્ર પાંચ ગ્રાહકો ફોરમ સુધી જાય છે એટલે ક, ૨૦ લાખ ગ્રાહકોમાંથી માત્ર એક ગ્રાહક ફરિયાદ દાખલ કરે છે. ગ્રાહકોની જાગૃતિના અભાવે અને ફરિયાદો દાખલ કરવામાં દાખવાતી ઉદાસીનતાના કારણે આજે તમામ ક્ષેત્રોમાં ગ્રાહક છેતરાઇ રહ્યો છે અને તેથી ગ્રાહકો અસરકારક જાગૃતિ કેળવે તે ખૂબ જરૂરી છે એમ અત્રે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું હતું. રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન નિમિતે ગ્રાહકોની ઉદાસીનતા અને બિનજાગૃતિ અંગે ભારે ચિંતા વ્યકત કરતાં ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું હતું કે, ગ્રાહકોના હિત અને સુરક્ષા માટે ૩૧ વર્ષોથી ગ્રાહક સુરક્ષા ધારો આવ્યો છે પરંતુ હજુ પણ ગ્રાહકો આ કાયદા હેઠળ પૂરતો લાભ મેળવતા થયા નથી, જે ઘણી દુઃખદ બાબત છે. કાયદો અમલમાં આવ્યાને ૩૧ વર્ષ થયા અને ગ્રાહક કોર્ટો સ્થપાયે ૨૬-૨૬ વર્ષો વીત્યા પરંતુ હજુ સુધી રાજયના અંદાજે સાત કરોડથી વધુ ગ્રાહકોની સંખ્યાના દ્રષ્ટિકોણથી જોઇએ તો, રાજયના કુલ ૩૮ ગ્રાહક ફોરમોમાં અત્યારસુધી રોજની સરેરાશ માત્ર એક ફરિયાદ અને કુલ ૨૨ ફરિયાદો દાખલ થાય છે. ગુજરાતમાં ૧૯૯૦માં શહેર જિલ્લા ગ્રાહ્ક તકરાર નિવારણ ફોરમ અને સ્ટેટ કમિશનની રચનાના ૨૬ વર્ષો બાદ પણ રાજયની ૩૮ ગ્રાહક ફોરમોમાં કુલ ૨,૧૯,૩૦૩ ગ્રાહકોએ ફરિયાદ દાખલ કરી છે અને અમદાવાદ શહેર-જિલ્લા ગ્રાહક ફોરમોમાં માત્ર ૪૮,૫૮૫ ફરિયાદો દાખલ થઇ છે. ગુજરાત રાજય ગ્રાહક તકરાર નિવારણ પંચ(સ્ટેટ કમીશન)માં અત્યારસુધીમાં ફરિયાદો, અપીલો, સીઆરએ, ઇ.એ, સીએમએ વગેરે મળી કુલ ૫૬,૧૭૫ મેટરો દાખલ થઇ છે, જેમાંથી ૫૧,૨૧૩નો નિકાલ થતાં ૪,૯૬૨ મેટરો હજુ પેન્ડીંગ છે. તો રાજયની જુદી જુદી ૩૮ ગ્રાહક ફોરમોમાં કુલ ૨,૧૯,૩૦૩ ફરિયાદો દાખલ થઇ હતી, જેમાંથી ૨,૦૧,૭૪૯નો નિકાલ થતાં ૧૭,૫૫૪ મેટરો પેન્ડીંગ છે. ગ્રાહક કોર્ટો અને ફોરમોમાં ગ્રાહકો દ્વારા દાખલ થતી ફરિયાદોના આંક ચિંતાજનક છે કારણ કે, શહેર સહિત રાજયભરના ગ્રાહકોમાં હજુ ઉદાસીનતા છે. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય)એ રાજયના હજારો ગ્રાહકોના હિતમાં સ્વયં પોતાના ખર્ચે કેસો લડી તેઓને ન્યાય અપાવ્યો છે ત્યારે હવે ગ્રાહકોએ અસરકારક જાગૃતતા કેળવવાનો સમય પાકી ગયો છે.
વીમા કંપનીઓ અને બિલ્ડરો સામે સૌથી વધુ ફરિયાદો
રાજયની વિવિધ ગ્રાહક કોર્ટો-ફોરમોમાં સૌથી વધુ ફરિયાદો જુદી જુદી વીમાકંપનીઓ સામે થાય છે. સમિતિના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું હતું કે, વીમાકંપનીઓ દ્વારા વીમાની રકમ કે મેડિકલેઇમની રકમ ગ્રાહકોને નહી ચૂકવાતા અથવા તો અધૂરી રકમ ચૂકવાતા સૌથી વધુ ફરિયાદો વીમા કંપનીઓ સામેની આવે છે. એ પછી બીજા ક્રમે સૌથી વધુ ફરિયાદો બિલ્ડરો વિરૂધ્ધ ગ્રાહક ફોરમોમાં આવે છે. એ પછી હોસ્પિટલો, ટુર ઓપરેટરો, બેંકો, પોસ્ટ, કુરીયર, રેલ્વે, એર, એલપીજી, પીએનજી, સીએનજી પમ્પીંગ સ્ટેશનો, પેટ્રોલપંપો, સીએ, ઉત્પાદકો, કંપનીઓ, વેપારીઓ સહિતના સર્વિસ પ્રોવાઇડરો સામે ગ્રાહક સુરક્ષા ધારા હેઠળની જુદી જુદી ફરિયાદો ગ્રાહક કોર્ટોમાં આવતી હોય છે.
ૃ
કયા શહેર જિલ્લામાં કેટલી ફરિયાદો થઈ અને કેટલાનો નિકાલ આવ્યો ?
શહેર-જિલ્લો ફરિયાદો ઉકેલ પેન્ડીંગ
અમદાવાદ શહેર ગ્રાહક ફોરમ ૩૨,૦૨૫ ૩૦,૬૬૩ ૧,૩૬૨
અમદાવાદ શહેર(એડિશનલ) ૭,૪૨૨ ૬,૪૫૬ ૯૬૬
અમદાવાદ ગ્રામ્ય ૯,૧૩૮ ૮,૦૮૨ ૧,૦૫૬
વડોદરા શહેર ૧૫,૯૦૯ ૧૩,૮૬૧ ૨,૦૪૫
વડોદરા શહેર(એડિશનલ) ૧૧,૭૭૬ ૯,૧૮૭ ૨,૫૭૩
સુરત શહેર ૧૩,૫૪૧ ૧૨,૩૯૧ ૧,૧૩૪
સુરત શહેર (એડિશનલ) ૭,૮૬૮ ૬,૫૨૨ ૧,૩૩૦
રાજકોટ શહેર ૯,૪૧૩ ૯,૦૧૭ ૩૪૭
રાજકોટ શહેર (એડિશનલ) ૩,૧૬૫ ૨,૮૯૨ ૨૪૭
ગાંધીનગર ૪,૮૨૭ ૪,૩૫૩ ૪૭૪
સાબરકાંઠા ૭,૯૫૧ ૭,૭૦૮ ૧૪૨
મહેસાણા ૭,૪૮૮ ૭,૦૫૦ ૪૩૧
બનાસકાંઠા ૮,૫૨૪ ૮,૨૮૬ ૨૩૮
કચ્છ ૬,૬૯૪ ૫,૯૨૦ ૭૭૪
જામનગર ૭,૫૩૧ ૭,૪૨૫ ૯૩
અમરેલી ૩,૭૦૬ ૩,૫૩૭ ૧૬૯
ભાવનગર ૫,૮૮૨ ૫,૪૬૯ ૩૭૦
સુરેન્દ્રનગર ગ્રાહક ફોરમ ૫,૨૨૭ ૫,૧૧૯ ૧૦૮
જૂનાગઢ ૭,૪૭૩ ૬,૯૦૪ ૫૧૪
પંચમહાલ ૧૦,૪૨૩ ૯,૪૬૯ ૫૪૮
ખેડા ૬,૩૪૩ ૬,૨૬૫ ૭૭
ભરૂચ ૮,૧૫૦ ૭,૩૮૨ ૭૨૩
વલસાડ ૬,૩૪૬ ૬,૦૫૮ ૨૮૬
આણંદ ૮,૬૪૨ ૮,૧૩૬ ૫૦૬
પાટણ ૧,૨૩૧ ૧,૧૩૩ ૯૮
નવસારી ૨,૬૦૯ ૨,૪૫૭ ૧૫૨
નર્મદા ૪૯ ૦૪ ૪૫
બોટાદ ૪૬ ૦૩ ૪૩
દેવભૂમિ દ્વારકા ૧૫ ૦૨ ૧૩
ગીર સોમનાથ ૦૪ ૦૧ ૦૩
મોરબી ૭૭ ૦૨ ૭૫
પોરબંદર ૫૨ ૦૩ ૪૯
મહીસાગર ૨૪૬ ૦૨ ૨૪૪
દાહોદ ૧૬૮ ૦૭ ૧૬૧
અરવલ્લી ૧૦૭ ૦૬ ૧૦૧
તાપી ૨૯ ૦૧ ૨૮
છોટા ઉદેપુર ૨૩ ૦૦ ૨૩
ડાંગ ૦૨ ૦૦ ૦૨
કુલ કેસોની સંખ્યા ૨,૧૯,૩૦૩ ૨,૦૧,૭૪૯ ૧૭,૫૫૪