અમદાવાદમાં માત્ર ૪.૬૬ ટકા વિસ્તાર જ ગ્રીન કવર હેઠળ

અમદાવાદ, તા.૧૬
મેગાસિટી અમદાવાદ આશરે ૪૬૬ ચો.કિમી વિસ્તારમાં ફેલાયેલું છે. શહેરના ભૌગોલિક વિસ્તારને જોતા ૧પ ટકા જેટલો વિસ્તાર ગ્રીન કવર હેઠળ હોવો જરૂરી છે પરંતુ માત્ર ૪.૬૬ ટકા ગ્રીન કવર છે. તંત્ર દ્વારા આગામી ચોમાસામાં નવાં ૧.પ૦ લાખ વૃક્ષ વાવવાની ક્વાયત આરંભાઇ હોઇ વર્ષ ર૦૧રના સર્વે મુજબ અમદાવાદમાં લીમડાનાં સૌથી વધુ ૧.૪૩ લાખ વૃક્ષ નોંધાયાં છે. ચાલુ ચોમાસામાં મ્યુનિસિપલ કોર્પોરેશનનો દોઢ લાખથી વધુ વૃક્ષો વાવવાનો ટાર્ગેટ છે.
ગત વર્ષ ર૦૧રમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્યના વનવિભાગ દ્વારા સંયુક્ત ઉપક્રમે ટ્રી-સેન્સસ સર્વે કરાયો હતો. આ સર્વે મુજબ શહેરમાં કુલ ૬,૧૮,૦૪૮ વૃક્ષ નોંધાયાં હતાં. શહેરના વિવિધ વિસ્તારમાં લીમડો, આસોપાલવ, કણજી, પીપળો, વડ, ચંપો, ગુલમોર, દેશી આંબો, બદામ, નીલગીરી, બોરસલી એમ ૩૦થી વધુ જાતનાં વૃક્ષ જોવા મળે છે.
આ તમામ વૃક્ષમાં લીમડા બાદ શહેરમાં આસોપાલવનાં ૭૦,પપ૦ વૃક્ષ, કણજીનાં ૪૧,પ૯૦ વૃક્ષ, ગુલમોરનાં ૪૦,૦૬૪ વૃક્ષ, દેશી બાવળના ૩૯,પ૪૦ વૃક્ષ, પીપળાનાં ર૦,૧૭૭ વૃક્ષ, પેલ્ટોફોરમનાં ૧૮,૯૮પ વૃક્ષ, પીપળનાં ૧૩,૧૮૩ વૃક્ષ, સુબાવળનાં ૧૪,૮૮ર વૃક્ષ, ગરમાળોનાં ૧૬,૭૦૧ વૃક્ષ, વડના ૯,૮૭૦ વૃક્ષ કરંજનાં ૩,૧૪૦ વૃક્ષ, નીલગીરીનાં ૪,પ૪પ વૃક્ષ, અરડૂસાનાં ૪,૭૮૬ વૃક્ષ, બદામનાં ૬,૮૧૪ વૃક્ષ, સરગવાનાં ૬,ર૭ર વૃક્ષ, જાંબુનાં ર,૪૧૪ વૃક્ષ, સપ્તપર્ણીનાં ૪,૬૦૧ વૃક્ષ, ગાંડા બાવળનાં ૭,પર૬ વૃક્ષ અને અન્ય ૯ર,પ૪૦ વૃક્ષ તંત્રના ચોપડે નોંધાયાં હતાં.
બીજી તરફ મેટ્રો રેલ સહિતના વિભિન્ન પ્રોજેકટ હેઠળ છેલ્લાં છ વર્ષમાં ૮થી ૯ હજાર ઘટાટોપ વૃક્ષનું નિકંદન કઢાયું છે. તંત્ર દ્વારા આ સમયગાળામાં દર વર્ષે ૧ લાખ જેટલાં સરેરાશ વૃક્ષ વાવવામાં આવ્યા હોવાના દાવા હોવા છતાં આજે વૃક્ષની કુલ સંખ્યા ૭.પ૦ લાખ સુધી પણ પહોંચતી નથી જેની પાછળનું મુખ્ય કારણ એકવાર વૃક્ષારોપણ કરાયા બાદ જે તે રોપાની માવજત પ્રત્યે સેવાતું દુર્લક્ષ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts