ગૃહવિભાગ અને કાયદા વિભાગના પરામર્શ બાદ પોલીસ કેસો પરત ખેંચાશે

અમદાવાદ, તા.૩
પાટીદાર સમાજ ઉપર થયેલા પોલીસ કેસોમાં રાજ્ય સરકારની સત્તામાં આવતા પોલીસ કેસો પરત ખેંચવા રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યના ગૃહ વિભાગ અને કાયદા વિભાગના પરામર્શ બાદ બાકીના પોલીસ કેસો પરત ખેંચવાની કાર્યવાહી પૂર્ણ કરાશે. એમ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. મંત્રીમંડળની પેટા સમિતિની ગત તા.ર૬ સપ્ટેમ્બર-ર૦૧૭ના રોજ ગાંધીનગર ખાતે પાટીદાર સમાજના આગેવાનો, ધાર્મિક સંસ્થાઓના વડાઓ અને યુવા અગ્રણીઓ સાથે બેઠક મળી હતી. જેમાં પાટીદાર અને અન્ય સમાજ માટે યોગ્ય કાર્યવાહી કરવાની નાયબ મુખ્યમંત્રીએ આપેલી ખાતરીને મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં બહાલી આપવામાં આવી હતી. પાટીદાર સમાજના પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ આવે તે હેતુથી સરકારે તાજેતરમાં પાટીદાર સમાજની ચાર મુખ્ય માગણીઓ સ્વીકારીને તેની ઉપર ત્વરિત અમલ કરવાનો પ્રારંભ કર્યો છે તેમ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. રાજ્ય સરકારે પાટીદાર સમુદાયની કેસો પરત ખેંચવાની માગણી પ્રત્યે હકારાત્મક વલણ અપનાવીને અનામત આંદોલન અને ત્યારબાદ પાટીદાર સમુદાય સામે પોલીસ ઘર્ષણ દરમ્યાન રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનો ખાતે અગાઉ નોંધાયેલ ર૯, ર૬ અને પ૪ એમ કુલ ૧૦૯ કેસો પરત ખેંચવાની સૂચના સંબંધિતોને અનુક્રમે તા.૧ર ફેબ્રુઆરી, તા.પ માર્ચ અને તા.૩૦ જુલાઈ, ર૦૧૬માં અપાઈ હોવાનું પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં કહ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts