(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.૧
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભુપિન્દરસિંહ હુડ્ડાએ આજે નોટબંધી, જીએસટી અને ખેડૂતોના મુદ્દે મોદી સરકાર અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. હુડ્ડાએ જણાવ્યું કે, ગુજરાતમાં બદલાવ આવી ચૂકયો છે અને લોકોનો મિજાજ બદલાયો છે. જીએસટી એટલે ગઇ સરકાર તુમ્હારી, ગુજરાતમાં આ વખતે કોંગ્રેસની સરકાર બનવાની છે તે નક્કી છે. હુડ્ડાએ મોદી સરકાર પર તેમણે ૨૦૧૪ના ચૂંટણી ઢંઢેરામાં સ્વામીનાથન કમીશનની ભલામણોનો અમલ કરવાનું જાહેર કર્યું હોવાછતાં હજુ સુધી તેનો અમલ નહી કરાયો હોઇ ગુજરાતમાં ખેડૂતોની દયનીય અને કફોડી હાલત હોવાનો આરોપ લગાવ્યો હતો. ભુપિન્દરસિંહ હુડ્ડાએ વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતોને પાકના લઘુત્તમ ટેકાના ભાવ મુદ્દે સ્વામીનાથન કમીશનની ભલામણોનો અમલ કરવા ભાજપે એ વખતે વચન આપ્યુ હતુ અને હવે એ વાયદામાંથી ભાજપ ફરી ગઇ છે. અમે માનીએ છીએ કે, ખેડૂતને તેના રોકાણ પર ૫૦ ટકા નફો મળવો જ જોઇએ નહી, નહીં તો ખેતી ટકી શકે નહી. કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા બાદ ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવમાં સરેરાશ છ ટકાનો વધારો મળ્યો છે, જયારે યુપીએ શાસનમાં ખેડૂતોને ૧૯ ટકા સુધીનો સરેરાશ વધારો મળ્યો હતો. તેમણે એ મુદ્દે પણ ધ્યાન દોર્યું હતું કે, યુપીએ સરકારે ખેડૂતોની રૂ.૭૨ હજાર કરોડની કૃષિ લોન માફ કરી હતી, જયારે એનડીએના શાસનમાં ખેડૂતોનું દેવુ વધીને રૂ.૧૩-૧૪ લાખ કરોડનું થઇ ગયુ છે.