
(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.પ
જી.એસ.ટી.ને મોદી સરકારે ભલે ગુડ એન સિમ્પલ ટેક્સ કહ્યો પણ જે કહ્યું છે તે કરોડો લોકો અને વેપારીઓમાં અનુભવમાં આવે તેમ થવું હજુ બાકી છે ત્યારે સૌરાષ્ટ્રમાં આજેય આ મુદ્દે વિરોધ વંટોળ યથાવત રહ્યો છે ચોંકાવનારી વાત એ છે કે ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ અમલ થયાના ચાર દિવસ બાદ પણ આ મુદ્દે અવઢવ છે, મૂંઝવણ છે અને જામનગર સહિત યાર્ડના વેપારીઓ તો ટેકસ સમજાતો નથી તે મુદ્દે હડતાલ પર છે
સૌરાષ્ટ્રભરના વેપારીઓ રોષે ભરાયા છે અને માર્કેટિંગ યાર્ડ અચોક્કસ મુદત સુધી બંધ રાખી જી.એસ.ટી.નો વિરોધ નોંધાવ્યો છે. અનેકવિધ વેપારીઓ અને ખાસ કરીને મર્ચન્ટ એક્સ્પોર્ટસને આ ટેક્સની પ્રક્રિયામાં સ્પષ્ટતા ન હોય ભારે મુશ્કેલીનો સામનો વેઠવો પડે છે જેના પગલે અનેક ધંધાકીય સોદાઓ ઠપ થઈ ગયા છે.
જામનગરના વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે અનાજ અને કઠોળમાં પણ પાંચ ટકા જી.એસ.ટી.લગાવતા વેપારીઓના ધંધા રોજગાર ઉપર ભારે અસર પડવાની સંભાવના સેવાઈ રહી છે સરકારે બ્રાન્ડેડ અનાજ કઠોળ ઉપર પાંચ ટકા જી.એસ.ટી. લગાડ્યું છે અને વે-બિલ ફરજિયાત કરતા વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે જેની સામે જામનગર સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડ અચોક્કસ મુદત સુધી બંધ રાખવામાં માટે નિર્ણય કર્યો છે
આજદિન સુધી સરકાર દ્વારા વેપારીઓને પૂરતું માર્ગદર્શન કે સેમિનાર યોજ્યા નથી કે જેથી વેપારીઓ પોતાને થતી મુશ્કેલીઓ વર્ણવી શકે. પાંચ ટકા જી.એસ.ટી.લગાવતા કાળાબજાર થવાની પુરી શક્યતાઓ છે તેવું વેપારીઓમાં ચર્ચાઈ રહ્યું છે જી.એસ.ટી.વે-બિલ અને કલમ-૬૭ નાબૂદ કરવા પણ વેપારીઓ દ્વારા માંગ ઉઠી છે.