GST‌ના વિરોધમાં આજે અમદાવાદમાં મહારેલી

અમદાવાદ, તા.૧૧
જીએસટીની સામે દેશભરમાં પ્રચંડ વિરોધ પ્રદર્શનનો દોર જારી રહ્યો છે. સુરતમાં જીએસટીના પ્રચંડ વિરોધ બાદ હવે વિરોધ આંદાલનનો ગરમાવો અમદાવાદ સુધી પહોંચી ગયો છે. અમદાવાદમાં પણ અચોક્કસ મુદતની હડતાળ બાદ જીએસટીનો વિરોધ વધુ ગરમાયો છે. અમદાવાદ શહેરમાં ૧રમીને બુધવારના દિવસે કાપડઉદ્યોગના વેપારીઓ-કારીગરોની એક વિશાળ રેલી નીકળશે અને સેલ્સટેક્સ ઓથોરીટી સહિતના સત્તાવાળાઓને આવેદનપત્ર આપી જીએસટીનો જોરદાર વિરોધ વ્યકત કરશે. તા.૧૨મી રેલીમાં રાજયભરમાંથી કાપડબજારના વેપારીઓ, કારીગરો અને આગેવાનો ભાગ લેવા આવશે. અંદાજે એક લાખથી વધુ લોકો કાપડબજારના વેપારીઓની રેલીમાં જોડાય તેવી શકયતા છે. કાપડબજારના અગ્રણીઓનું કહેવું છે કે, કાપડબજારના વેપારીઓના વિરોધ અને ઉગ્ર માંગણી છતાં રાજય સરકારે હજુ સુધી સમાધાનકારી વલણના પ્રયાસ
સુધ્ધાં કર્યા નથી, જેને લઇ વેપારીઓમાં ઉગ્ર આક્રોશ છે. હવે વેપારીઓની લાગણીને વાચા આપવા અને જીએસટીના વિરોધને વધુ વેગવંતો બનાવવા અમદાવાદમાં તા.૧૨મી જૂલાઇએ કાપડબજારના વેપારીઓની એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કાપડના નાના-મોટા વેપારીઓ, કારીગરો, કાપડના ઉદ્યોગકારો, આગેવાનો સહિતના લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાશે અને જીએસટી પરત્વે ઉગ્ર વિરોધ વ્યકત કરશે. તા.૧૨મીની રેલીમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર સહિત રાજયભરમાંથી એક લાખથી વધુ વેપારીઓ જોડાય તેવો અંદાજ છે. રેલીમાં કોઇ પણ પ્રકારની અંધાધુંધી ન ફેલાય તે માટે સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા છે. રેલીના વિસ્તાર અને જ્યાં આવેદન પત્ર આપવાની યોજના છે તે તમામ વિસ્તારોમાં મજબુત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks