અમદાવાદ, તા.૯
સુરતમાં જીએસટીના પ્રચંડ વિરોધ બાદ હવે વિરોધ આંદાલનનો ગરમાવો અમદાવાદ સુધી પહોંચ્યો છે. અમદાવાદમાં પણ અચોક્કસ મુદતની હડતાળ બાદ જીએસટીનો વિરોધ વધુ ગરમાયો છે. અમદાવાદ શહેરમાં તા.૧૨મી જૂલાઇએ કાપડઉદ્યોગના વેપારીઓ-કારીગરોની એક વિશાળ રેલી નીકળશે અને સેલ્સટેક્સ ઓથોરીટી સહિતના સત્તાવાળાઓને આવેદનપત્ર આપી જીએસટીનો જોરદાર વિરોધ વ્યકત કરાશે. તા.૧૨મીની રેલીમાં રાજયભરમાંથી કાપડબજારના વેપારીઓ, કારીગરો અને આગેવાનો ભાગ લેવા આવશે. અંદાજે એક લાખથી વધુ લોકો કાપડબજારના વેપારીઓની રેલીમાં જોડાય તેવી શકયતા છે. અમદાવાદમાં પણ જીએસટી સામે વિરોધનો જોરદાર વંટોળ ફુંકાયો છે. જીએસટીના વિરોધમાં કાપડબજારના વેપારીઓએ અચોક્કસ મુદતની હડતાળનો નિર્ણય લઇ શહેરના તમામ કાપડબજારો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે અને હવે વિરોધને રાજયવ્યાપી બનાવવાની દિશામાં કાપડબજારના નેતાઓ અને આગેવાનો લાગી ગયા છે. રોજ નવી રણનીતિ અને વ્યૂહરચના સાથે જીએસટીનો વિરોધ કરવા બેઠકોના દોર ચાલી રહ્યા છે. શહેરના ન્યુ કલોથ માર્કેટ, ઘંટાકર્ણ માર્કેટ, નૂતન કલોથ માર્કેટ, પાંચકુવા સિંધી માર્કેટ, શ્રીરામ માર્કેટ, મસ્કતી માર્કેટ, હરીઓમ માર્કેટ, સુગ્નોમલ માર્કેટ, સફલ-૧,૨ અને ૩ માર્કેટ સહિતના કાપડબજારોમાં બંધના લીધે સન્નાટાનો માહોલ છવાશે અને કાપડબજારનું કામકાજ ઠપ્પ થઇ જશે. અમદાવાદમાં તા.૧૨મી જૂલાઇએ કાપડબજારના વેપારીઓની એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કાપડના નાના-મોટા વેપારીઓ, કારીગરો, કાપડના ઉદ્યોગકારો, આગેવાનો સહિતના લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાશે અને જીએસટી પરત્વે ઉગ્ર વિરોધ વ્યકત કરશે. તા.૧૨મીની રેલીમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર સહિત રાજયભરમાંથી એક લાખથી વધુ વેપારીઓ જોડાય તેવો અંદાજ છે. કાપડબજારના વેપારીઓની રેલી સેલ્સટેક્સ કચેરી સુધી જઇ સંબંધિત સત્તાવાળાઓને આવેદનપત્ર પાઠવશે અને રાજય સરકારના કાન સુધી પણ પોતાનો વિરોધ પહોંચાડશે.