(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧
નાયબ મુખ્યમંત્રી કયારેક કયારેક પોતાના નિવેદનોમાં કેન્દ્ર સરકાર પર પણ નિશાન સાધતા રહે છે અને તેને લઈને ચર્ચામાં પણ રહે છે. તાજેતરમાં જ દારૂબંધીને કારણે ગુજરાતને ટેક્ષનું ભારે નુકસાન થાય છે. તેવું નિવેદન આપ્યા બાદ હવે આજે તેમણે જીએસટીના કારણે ગુજરાત સરકારને મોટું નુકસાન થઈ રહ્યું હોવાનું જણાવતા ઉમેર્યું હતું કે સરકારને વાર્ષિક ચારથી પાંચ હજાર કરોડનું નુકસાન થઈ રહ્યું હોઈ સરકારની તિજોરીને મોટો ફટકો પડ્યો છે.
આવતીકાલે ના.મુખ્યમંત્રી વિધાનસભામાં બજેટ રજૂ કરનાર છે ત્યારે બજેટ પહેલાં જ સરકારની તિજોરીને ભારે નુકસાન અંગેના તેમના નિવેદનને લઈ અને પ્રશ્નો ઊભા થવા સાથે ચર્ચા શરૂ થઈ જવા પામી છે.
મોદી સરકારના ‘‘એક દેશ, એક કર’’ના સ્વપ્નને સાકાર કરનાર જીએસટીના અમલીકરણને બે વર્ષ પૂરા થયા છે. ત્યારે ના.મુખ્યમંત્રીના નિવેદન મુજબ બે વર્ષમાં રાજ્યને ૮થી ૧૦ હજાર કરોડનું નુકસાન જીએસટીને કારણે થવા પામ્યું છે. જીએસટીને બે વર્ષ થવાની ઉજવણીના કાર્યક્રમમાં ના.મુખ્યમંત્રીએ ઉપર મુજબનું નિવેદન આપ્યું હતું.તેમણે વધુમાં જો કે, પ્રજાહિત માટે રાજ્ય સરકારની તિજોરીનું નુકસાન બહુ મહત્ત્વ નથી રાખતો તેમ જણાવતા કહ્યું હતું કે, આગામી પાંચ વર્ષમાં ૧૪ ટકા ગ્રોથ સાથે કેન્દ્ર સરકાર રકમની ભરપાઈ કરશે એ પ્રકારની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. જીએસટીને કારણે સમગ્ર દેશમાં સુગ્રથિત કર માળખુ વિકસિત થાય તે માટે ગુજરાતે પોતાના આવકના હિસ્સાનું નુકસાન સહન કરી દેશના અન્ય રાજ્યો માટે વિકાસનો માર્ગ ખુલ્લો કરી આપ્યો એમ વધુમાં તેમણે ઉમેર્યું હતું.
પેટ્રોલ અને ડીઝલને હાલ પૂરતો જીએસટી હેઠળ લાવવા એક પણ રાજ્ય સરકાર તૈયાર ન હોવાના કારણે તેના પર વેટ જ લાગુ રહેશે એવી સ્પષ્ટતા કરવામાં આવી છે. વેટની આવક માત્ર રાજ્ય સરકાર પાસે રહેતી હોવાથી હાલમાં અલગ અલગ રાજ્યમાં સરકારો દ્વારા આ નિર્ણય લેવાયો છે.
જીએસટી અંગે ઉદ્યોગ જગતના અગ્રણીઓ પણ માની રહ્યા છે કે હાલ કેટલાક પડકારો છતાં જીએસટીનું અમલીકરણ સફળ રહ્યું છે. ઉદ્યોગ જગતે જણાવ્યું કે આગામી દિવસોમાં હજુ પણ જીએસટી કર વ્યવસ્થામાં કેટલાક સુધારા કરવામાં આવે જેથી કરીને ગુજરાતના ઉદ્યોગોને ફાયદો થાય જેનો સીધો લાભ રાજ્ય સરકારને મળે. નીતિન પટેલે જણાવ્યું કે, જીએસટી કાયદો એ ખુદ એક મોટી સફળતા છે. જીએસટી કાયદો જ્યારે અમલમાં આવ્યો ત્યારે બધા રાજ્યોને ચિંતા હતી કે તેમની આવકમાં ઘટાડો થશે. જો કે, કાઉન્સિલમાં જે નિર્ણય લેવામાં આવ્યા તે મુજબ સેસની આવકમાંથી ભરપાઈ કરી આપશે.