(સંવાદદાતા દ્વારા) ડભોઈ, તા.૧૧
ડભોઈ તાલુકાના સાઠોદ ગામે કોંગ્રેસ પક્ષના ઉપક્રમે યોજાયેલી ચૂંટણી જાહેરસભાને સંબોધતા ડભોઈ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતની ભાજપ સરકારે મોટા મોટા વચનો અને જાહેરાતો કરી છતાય કોઈ વિકાસના કામ થયા નથી. ગુજરાતમાં સત્તાનું પરિવર્તન આવવાનું છે ત્યારે કોંગ્રેસ સરકાર દ્વારા ખેડૂતોને દેવા માફી અને દિવસે સતત ૧૬ કલાક વીજળી ચાલુ રહેશે તેમજ ગુજરાતમાં શિક્ષણનું થયેલું વેપારીકરણ બંધ કરી બેરોજગાર યુવાનોને રોજગારીની તકો આપવા માટે કટીબદ્ધ છે.
ડભોઈ તાલુકાના સાઠોદ ગામે યોજાયેલી કોંગ્રેસપક્ષની ચૂંટણી જાહેરસભામાં પ્રારંભમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હેમંતભાઈ બારોટે ઉપસ્થિત ગ્રામજનો અને મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું આ પ્રસંગે મતદારોને સંબોધતા સિદ્ધાર્થભાઈ પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે યાત્રાધામ ચાંદોદને કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલી દ્વારા દત્તક લેવાયુ છે પણ એક પણ વિકાસનું કામ થયું નથી તો વઢવાણા પક્ષી ધામમાં પ્રધાન દ્વારા વિકાસ માટેના ઉદ્ઘાટન થયા પણ હજુ સુધી કોઈ વિકાસ સધાયો નથી જ્યારે સાત વર્ષ પહેલા ડભોઈમાં રૂા.૩૦૦ કરોડને ખર્ચે જે ઈલેકટ્રોનિક એન્જિનને રીપેરીંગ માટેનું કારખાનું કેન્દ્રીય કોંગ્રેસ પક્ષ દ્વારા બનાવવા માટે વિધિવત રાજ્ય રેલવે મંત્રી દ્વારા ઉદ્ઘાટન કરી દેવાયું હતું પણ ભાજપ સરકાર દ્વારા હજુ સુધી આ ઈલેકટ્રોનિક કારખાનું સરૂ થયું નથી. ગુજરાતની ભાજપ સરકાર અને કેન્દ્રની ભાજપ સરકાર માત્ર વિકાસની વાતો કરે છે પણ વિકાસ સાધતા નથી તેના આ બે નમૂના છે.