(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧૫
ભાજપા પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની તારીખ ૧૮ સપ્ટેમ્બરના રોજ વિશેષ ઉપસ્થિતિમાં ખેડા જિલ્લાના ફાગવેલ ખાતે બપોરે ૧૨ઃ૦૦ વાગ્યે બક્ષીપંચ સંમેલન યોજાશે. જેમાં ભાજપા બક્ષીપંચ મોરચાના પ્રદેશ હોદ્દેદારો, જિલ્લા-મહાનગરના પ્રમુખ-મહામંત્રીઓ તેમજ ગુજરાતભરમાંથી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની વિશેષ ઉપસ્થિતિમાં આજદિવસે બપોરે ૩ઃ૩૦ કલાકે યુનિવર્સિટી કન્વેન્શન હોલ, અમદાવાદ ખાતે સહકાર સંમેલન યોજાશે. જેમાં ભાજપા સરકાર સેલના સૌ આગેવાનો-કાર્યકરો તેમજ ગુજરાતમાંથી સહકાર ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ત્યારબાદ તા.૧૯મીએ અમદાવાદમાં પંડિત દીનદયાળ ઓડિટોરિયમ, બોડકદેવ ખાતે ભાજપાની પ્રદેશ બૃહદ કારોબારી બેઠક મળશે. જેમાં કેન્દ્રીયમંત્રી અરૂણ જેટલી, રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, રાષ્ટ્રીય સહસંગઠન મંત્રી વી.સતિષ વગેરે ઉપસ્થિત રહેશે. આ કારોબારીમાં આગામી ત્રણ મહિનાના કાર્યક્રમોનું આયોજન તેમજ ચૂંટણી અને સંગઠનાત્મક બાબતો પર ખાસ ચર્ચા-વિચારણા કરવામાં આવશે. ચૂંટણી અગાઉની આ કારોબારી અત્યંત મહત્ત્વની બની રહેવાની છે.