(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.ર૧
કોંગ્રેસના જ નહી પરંતુ ગુજરાતના રાજકારણના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાને લઈને છેલ્લા ઘણા સમયથી જાતજાતની થઈ રહેલી અટકળોનો અંત આણતા હોય તેમ ખુદ શંકરસિંહ વાઘેલાએ અજે પોતાને કોંગ્રેસે કાઢી મુકયો હોવાનું જણાવી કોંગ્રેસને મારા બંધનમાંથી મુકત કરૂં છું તેવા નિવેદન સાથે પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી. ગુજરાત કોંગ્રેસને મરણતોલ ફટકો આપતા શંકરસિંહ બાપુએ પોતાના ટેકેદારોની મેદની વચ્ચે કોંગ્રેસના મોવડી મંડળે, હું આજે કંઈ બોલું તેના ર૪ કલાક પહેલા પક્ષમાંથી કાઢી મુકયો હોવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસમાં વિનાશકાળે વિપરીત બુધ્ધિ ખબર નથી કયાં કારણોસર કાઢયો જો કે હવે હું કોંગ્રેસને આજે પોતાના બંધનમાંથી મુકત કરૂં છું અને આજે જ વિપક્ષ નેતા પદેથી રાજીનામું આપું છું તથા ૮ ઓગસ્ટની ચૂંટણી બાદ ધારાસભ્ય તરીકે પણ રાજીનામું આપી દઈશ.
કોંગ્રેસના આ અગ્રણી નેતા શંકરસિંહ વાઘેલા વિધાનસભાની આગામી ચૂંટણીમાં છુટોદોર ઈચ્છતા હતા પરંતુ હાઈકમાન્ડ દ્વારા તેમની માગણી સ્વીકારવામાં આવતી ન હતી. તેને લઈને છેલ્લા ઘણા દિવસોથી અટકળોનો દોર ચાલી રહ્યો હતો. તેનો આજે ખુદ બાપુએ જ અંત આણી દઈ કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી દેતા રાજયના રાજકારણમાં રાજકીય ગરમાવો આવી જવા પામ્યો છે. રાજયભરમાં બાપુની જ ચર્ચાનો દોર શરૂ થઈ જવા પામ્યો છે. બાપુ ભાજપમાં જશે કે નવો પક્ષ રચશે તેવી અટકળો શરૂ થઈ જવા પામી છે. શંકરસિંહ વાઘેલાએ પોતે ભાજપ અને કોંગ્રેસના કાવતરાનો ભોગ બન્યા હોવાનું જણાવતા ઉમેર્યું હતું કે, હું ભાજપમાં જોડાવાનો નથી.
એકેય પક્ષમાં નથી પ્રજા જ મારી હાઈકમાન્ડ છે હું તેને જ સમર્પિત રહીશ. બા રિટાયર્ડ થાય છે પરંતુ બાપુ રિટાયર્ડ થવાના નથી. બાપુ કોઈનાથી ડરતા નથી અને મને સત્તાની લાલચ પણ નથી. આત્મસન્માન માટે કદી સમાધાન કર્યું નથી તેમ જણાવતા બાપુએ વધુમાં ઉમેર્યું હતું કે કાવતરાનો ભાગ રૂપે જ મને કોંગ્રેસ પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યો છે. કોંગ્રેસની અંદરના પક્ષીય કાવતરાનો પોતે ભોગ બન્યા છે અને તેથી પક્ષે મને દરવાજો દેખાડી દીધો છે હું કોઈ આજે જાહેરાત કરું તેના ર૪ કલાક અગાઉ જ મને કાઢી મુકવામાં આવ્યો હોવાનું જણાવી કોંગ્રેસના કેટલાક નેતાઓ ઉપર તીવ્ર પ્રહારો કરતા તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ મને કોંગ્રેસમાંથી હાંકી કાઢે તે પહેલા જ હું કોંગ્રેસમાંથી મુકત થાઉ છું હવે હું કોઈપણ રાજકીય પક્ષમાં નથી. ભાજપ છોડતી વખતે જે રીતે વિચલિત હતા તેવું અને કોંગ્રેસ છોડતી વખતે પણ છું કોંગ્રેસમાંથી કાઢવા માટે કેટલાક નેતાઓએ પ્લાનીંગ કર્યું હતું. કોંગ્રેસ આવે છે અને બાપુ જાય છે. તેવી વાતો વહેતી કરવામાં આવી હતી.