અમદાવાદ, તા.૪
ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને ઝોનના
સહપ્રભારીઓ આગામી વિધાનસભાની
ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીની
કવાયત હાથ ધરી રહ્યા છે અને તે માટે દરેક
જિલ્લા અને તાલુકાઓનો પ્રવાસ ખેડી રહ્યા
છે. ઉમેદવારોની પસંદગી બાદ રાજ્યમાં
રાહુલ ગાંધીની સભા યોજવા આયોજન
હાથ ધરાયું છે. ઓગસ્ટ માસમાં રાજકોટ,
ભૂજ અને વડોદરામાં કુલ ત્રણ સભા યોજાય
તેવું આયોજન છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા
વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની
પસંદગીની પ્રક્રિયા તેજ બનાવી છે. આ માટે
પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત ઉપરાંત ચાર
સહપ્રભારીઓ વિવિધ જિલ્લા અને
તાલુકાઓનો પ્રવાસ ખેડી સ્થાનિક
આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો સાથે
ચર્ચા વિચારણા કરી રહ્યા છે. ઉમેદવારોની
પસંદગી માઈક્રો પ્લાનિંગથી કરવામાં
આવશે. એટલે કે લાગવગ કે નાણાંના જોરે
નહીં પરંતુ સર્વમાન્ય અને જીતી શકે તેવા
ઉમેદવારને જ ટિકિટ આપવાનું નક્કી કરાયું છે. ઉમેદવારોની પસંદગી માટે
એઆઈસીસીએ કરેલા વિવિધ ત્રણ સર્વેને
ધ્યાને લેવાશે ઉપરાંત લોકસભા અને
વિધાનસભાના નિરીક્ષકોનો અભિપ્રાય તથા
સહપ્રભારીઓના રિપોર્ટના આધારે
ઉમેદવારોની માઈક્રો પ્લાનિંગથી પસંદગી
કરવામાં આવશે. ઉમેદવારોની પસંદગી
પ્રક્રિયા ૧પ ઓગસ્ટ પહેલાં પૂર્ણ કરી દેવાશે
ત્યારબાદ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ
ગાંધીની સભાનું આયોજન કરવામાં આવ્યું
છે. મોટાભાગે ૧૯ અને ર૧ ઓગસ્ટના
રોજ રાજકોટ, ભૂજ અને વડોદરામાં સભા
કરવાનું આયોજન છે.
દરમિયાન પ્રદેશ પ્રમુખ ભરતસિંહ
સોલંકીએ તમામ જિલ્લાના પ્રમુખોને તાકીદ
કરી ૧પ ઓગસ્ટ પહેલાં જિલ્લાવાર સંમેલન
યોજવા જણાવ્યું છે. નોંધનીય છે કે, હાલ
કોંગ્રેસ દ્વારા ભાવ વધારો, ખેડૂતોના પ્રશ્ને
જીએસટીના વિરોધમાં રાજ્યભરમાં
આંદોલનો ચાલી રહ્યા છે અને ૧૦
જુલાઈના રોજ સેટેલાઈટ જમીન માપણીના
વિરોધમાં રાજ્ય વ્યાપી આંદોલન કરી
ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિને
ઉજાગર કરવાનો પ્રયાસ કરશે.