
(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૭
રાજ્યસભાના સાંસદ તરીકે અહમદ પટેલે ઉમેદવારી નોંધાવ્યાના બીજા જ દિવસે કોંગ્રેસના ત્રણેક ધારાસભ્યોએ પક્ષને મોટો આંચકો આપ્યો છે. સિધ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત, વિરમગામના ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ અને વિજાપુરના ધારાસભ્ય પી.આઈ.પટેલ કોંગ્રેસને અલવિદા કરી ભાજપને ખેસ ધારણ કરતાં કોંગ્રેસમાં છેલ્લા કેટલાક મહિનાથી અંદરખાને ભભૂકી રહેલો જવાળામુખી આજે ફાટી બહાર આવ્યો હતો.
ગુજરાત કોંગ્રેસમાં ખજૂરાહો કાંડ જેવા અણસાર મળી રહ્યા છે. ભાજપમાં સર્જાયેલા ખજૂરાહો કાંડના સર્જક શંકરસિંહ વાઘેલા આ વખતે પડદા પાછળ ભૂમિકા ભજવી રહ્યાનું જણાય છે. ગતરાત્રિથી જ બગાવતના અણસાર મળી ગયા હતા અને ર૦થી વધુ ધારાસભ્યો કોંગ્રેસના નેતાઓના ફોન ઉપાડતા ન હોવાથી તેમને મનાવવા નેતાઓએ દોડધામ કરી હતી. ગતરોજ અહમદભાઈ પટેલે રાજ્યસભાના સાંસદ તરીકે ઉમેદવારીપત્ર ભર્યા બાદ ભાજપના ઈશારે અસંતુષ્ટ ધારાસભ્યોએ પોતાના રાજકીય પત્તાં ખોલ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કોંગ્રેસને પ્રારંભિક ઝટકો આપતા હોય તેમ અહમદભાઈ પટેલના અત્યંત વિશ્વાસુ ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત કે જેમને રાજકારણમાં લાવનાર જ અહમદભાઈ વિરમગામના તેજશ્રીબેન પટેલ અને વિજાપુરના પી.આઈ.પટેલ કોંગ્રેસમાંથી રાજીનામું આપી આજે મોડીસાંજે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા હતા. શંકરસિંહ વાઘેલા, તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા મોડાસાના ધારાસભ્ય રાજુ ઠાકોર, જામનગરના ધારાસભ્ય રાઘવજી પટેલ પણ ગમે ત્યારે કોંગ્રેસમાંથી છેડો ફાડે તેવી શક્યતા છે. આજે બપોર બાદ રાજુ ઠાકોર સહિતના ધારાસભ્યો શંકરસિંહના નિવાસસ્થાને ગયા હતા અને આગળ શું કરવું ? તેની રણનીતિ નક્કી કર્યાનું જાણવા મળે છે. સૂત્રોના જણાવ્યા મુજબ બાપુના આ સમર્થકો પણ પરિસ્થિતિને અનુરૂપ એક પછી એક કોંગ્રેસને ઝટકો આપવાની વેતરણમાં છે. જો કે બીજી તરફ કોંગ્રેસના ટોચના નેતાઓ પણ કોંગ્રેસની આબરૂ બચાવવા ભારે દોડધામ કરી રહ્યા છે. ગતરાત્રે કોંગ્રેસના પાટીદાર નેતાએ ધારાસભ્ય પરેશ ધાનાણી, વિપુલ પટેલ વગેરેને બોલાવી ભાજપના પાટીદાર ધારાસભ્યોમાંથી કેટલાને કોંગ્રેસ તરફ ખેંચી શકાય છે તે અંગેની શક્યતા ચકાસી હતી. ઉપરાંત કોંગ્રેસથી નારાજ રાઘવજી પટેલ સહિતના ધારાસભ્યોને મનાવવાના કામમાં પણ લગાડી દેવાયા છે. જો કે હજી સુધી આમાં સફળતા મળી ન હોવાનું જણાય છે.