(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર૪
રાજ્યસભાની ચૂંટણીમાં દિલધડક વિજય બાદ ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રાણ ફુંકાયા છે. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોમાં ઉત્સાહનો સંચાર થયો છે. ત્યારે આ ઉત્સાહને બેવડાવવા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી ઈલેકશન કેમ્પેઈન કમિટી, મીડિયા કમિટી, કો-ઓર્ડિનેશન કમિટી, મેનિફેસ્ટો કમિટી સહિત શહેર જિલ્લાના પ્રમુખો, પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખો, જનરલ સેક્રેટરી, સેક્રેટરી પ્રવકતા વગેરેની નિમણૂક કરી ચૂંટણી મેદાનમાં ઉતરતા પહેલા સેનાપતિઓની ફોજ તૈયાર કરી દીધી છે.
ચૂંટણી માટે સૌથી મહત્વની ગણાતી ચૂંટણી પ્રચાર સમિતિના ચેરમેન તરીકે પૂર્વ પ્રમુખ અને પાટીદાર નેતા સિધ્ધાર્થ પટેલની નિમણૂક કરવામાં આવી છે. જયારે ઈલેકશન મીડિયા કમિટીના ચેરમેન પદે શકિતસિંહ ગોહિલ અને કન્વીનર હિમાંશુ વ્યાસ, ઈલેકશન પબ્લિસિટી એન્ડ મટીરિયલ કમિટીના ચેરમેન પદે અર્જુન મોઢવાડિયા અને કન્વીનર તરીકે ડો. વિજય દવે, ઈલેકશન મેનિફેસ્ટો કમિટીના ચેરમેન પદે મધુસુદન મિસ્ત્રી અને કન્વીનર્સ તરીકે દીપક બાબરિયા અને ગૌરવ પંડયાની નિમણૂક કરવામાં આવી છે. જયારે ઈલેકશન કો- ઓર્ડિનેશન કમિટી ફોર અર્બન એરિયાના ચેરમેન તરીકે નરેશ રાવલની નિમણૂક કરવામાં આવી છે.
આ ઉપરાંત પ્રદેશ હોદ્દેદારો, કારોબારી સમિતિના સભ્યો અને સ્પેશિયલ ઈન્કવાયરીની નિમણૂક પણ કરાઈ છે. દસ ઉપપ્રમુખોમાં સત્યજીત ગાયકવાડ, જગદીશ ઠાકોર, પ્રવીણ રાઠોડ, બાબુભાઈ માંગુકિયા, વજીરખાન પઠાણ, કાશ્મીરાબેન મુન્શી, જશોદાબેન પરમાર, ભીખુભાઈ વરોતરિયા, ધીરૂભાઈ ગજેરા, પણજીભાઈ ગામીતનો સમાવેશ થાય છે જયારે જનરલ સેક્રેટરી તરીકે ડો. વિજય દવે, હિમાંશુ વ્યાસ, એડવોકેટ ઈકબાલ શેખ, એડવોકેટ દિલીપ પટેલ સહિત ૧૪ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. જયારે પ્રવકતા તરીકે અમીબેન યાજ્ઞિક, બદરૂદીન શેખ, જયરાજસિંહ પરમાર, કૈલાશ ગઢવી, રાજન પ્રિયદર્શિ પરંજય, આદિત્યસિંહ પરમાર, તથા નૈષધ દેસાઈનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત એઝાઝ પટેલ, હબીબ મોદન, અસગર ભાટી, યુસુફ ખફી, શમીર શેખ, આરીફ રાજપુત, અબ્બાસ પટેલ, જયોર્જ ડાયસ સહીત પ૩ સેક્રેટરીઓની નિમણૂક કરવામાં આવી છે. એકિઝકયુટીવ કમિટીમાં જશવંત ભાટી, રઘુ દેસાઈ, મોહંમદ શફી, તથા એ.ડી. પટેલ અને સ્પેશિયલ ઈન્વાઈટીસમાં ચમનજી ઠાકોર, રફીક તિજોરીવાલા, પરવેજ મોમીન, ઈકબાલ મલિક, હુસેનભાઈ દાબા, રમેશ પટેલ, મહેશ પટેલ, ગોપાલ છાંડા, વિરમ ઓઝાનો સમાવેશ થાય છે.
રાજકોટ, જૂનાગઢ અને વડોદરાના શહેર પ્રમુખો તથા દસ જિલ્લા પ્રમુખો નિમાયા
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ચૂંટણી સમિતિઓ અને હોદ્દેદારોની સાથે શહેર જિલ્લાના પ્રમુખોની પણ નિમણૂક કરી છે જેમાં રાજકોટ શહેર પ્રમુખ તરીકે ધારાસભ્ય ઈન્દ્રનિલ રાજયગુરૂ, જૂનાગઢ શહેર પ્રમુખ સતિષ વીરડા, વડોદરા શહેર પ્રમુખ પદે પ્રશાંત પટેલ ઉપરાંત અરવલ્લી જિલ્લા પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર, ડાંગ જિલ્લાના મોતીભાઈ ચૌધરી, મોરબીના લલિત કગથરા, રાજકોટ જિલ્લા હિતેશ વોરા, સાબરકાંઠા મણીભાઈ પટેલ, જામનગર જે.ટી. પટેલ, નવસારી ધર્મેશ પટેલ, મહિસાગર હરજીવન નારણભાઈ તથા પંચમહાલ જિલ્લા પ્રમુખ તરીકે અજીતસિંહ ભાટીની નિમણુક કરવામાં આવી છે.