(એજન્સી) નવી દિલ્હી, તા.૧પ
ગુજરાત અને હિમાચલપ્રદેશની ચૂંટણીના પરિણામોની મતગણતરી પહેલાં જ કોંગ્રેસને આંચકો લાગ્યો છે. સુપ્રીમકોર્ટે કોંગ્રેસની રપ ટકા વીવીપેટ સ્લીપોની ખરાઈ કરવા માગણી કરતી અરજી દાખલ કરી હતી જે અરજી સુપ્રીમકોર્ટે રદ કરી હતી. સુપ્રીમકોર્ટે પંચની કામગીરીમાં દખલ કરવા ઈન્કાર કર્યો હતો. કોંગ્રેસે કોર્ટ સમક્ષ માગણી કરતી અરજી દાખલ કરી હતી કે ૧૮મી ડિસેમ્બરે મતગણતરી દરમિયાન ઓછામાં ઓછા રપ ટકા વીવીપેટની ચકાસણી થવી જોઈએ. જે મતો ઈવીએમમાં પડ્યા છે એને વીવીપેટની સ્લીપો સાથે સરખાવવું જોઈએ. નોંધનીય છે કે, કોંગ્રેસ સમેત બધા જ પક્ષો ઈવીએમની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન પણ ઈવીએમમાં ગોટાળાના સમાચારો આપ્યા હતા. જો કે ચૂંટણી પંચે ફરીથી આરોપોને રદ કર્યા હતા. સુપ્રીમકોર્ટે કોંગ્રેસની અરજી રદ કરતાં કહ્યું કે, લોકશાહીમાં ચૂંટણી પ્રક્રિયા ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે અને કોર્ટ એમાં કોઈ પણ પક્ષની શંકાઓના આધારે દરમિયાનગીરી કરી નહીં શકે. નોંધનીય છે કે, ગુજરાતમાં ચૂંટણીઓ પૂરી થતાં જ બધી એક્ઝિટપોલ ગુજરાત અને હિમાચલમાં ભાજપ સરકારના દાવાઓ કરે છે. પરિણામો જાહેર થતાં પહેલાં જ આ પ્રકારના દાવાઓથી કોંગ્રેસ છંછેડાઈ છે. જેના લીધે સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરી છે. એક્ઝિટપોલના લીધે એમને ખાતરી થઈ ગઈ છે કે ઈવીએમ સાથે ચેડાં કરાયા છે.