(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૮
વડગામથી અપક્ષ વિજેતા ઉમેદવાર અને દલિત નેતા જિગ્નેશ મેવાણીએ સોમવારે એવું કહ્યું કે અમારી લડાઈ તો હજુ શરૂ થઈ છે, અને અંત સુધી ચાલશે. જ્યાં સુધી ભાજપને સંપૂર્ણપણે હરાવી નહીં દઈએ ત્યાં સુધી અમારી લડવાઈ ચાલવાની છે. જિગ્નેશ મેવાણીએ અપક્ષ ઉમેદવાર તરીકે ભાજપના વિજયકુમાર ચક્રવતીને ૧૯,૬૯૬ વોટોથી કારમી હાર આપી છે. ભાજપે પાતળી સરસાઈથી ગુજરાતને જાળવી રાખ્યું છે. મેવાણી કોંગ્રેસ,આમ આદમી પાર્ટી અને બીજી પાર્ટીઓના સમર્થિત ઉમેદવાર છે. મેવાણીએ કહ્યું કે મારી ઉમેદવારી અને જીતમાં વિશ્વાસ રાખનાર તમામ મતદાતાઓનો દિલથી આભાર માનું છું. તેમણે કહ્યું કે ભલેને ગુજરાતમાં ભાજપનું શાસન આવ્યું હોય પરંતુ અમે લોકોના અધિકાર માટેની લડત ચાલી રાખીશું અને આગેકૂચ કરતાં રહીશું. હવે અવાજ વિહોણા અને દબાયેલા કચડાયેલા લોકોનો અવાજ ગુજરાતમાં સાંભળવામાં મળશે. મેવાણીએ આગળ ક્યું કે રાજ્ય સ્તરનો ચુકાદો નિરાશાજનક છે પરંતુ હું વિધાનસભાની અંદર અને બહાર લોકો માટે લડતો રહીશ. અમે ભાજપની કોમી અને ફાસીવાદી નીતિઓને અટકાવીને અમારો એજન્ડા નક્કી કરીશું. એક સ્થાનિકે એવું કહ્યું કે વોટોમાં વિભાજન થયું નથી, ઓછામાં દલિતો અને મુસ્લિમ વોટો અકબંધ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે ૩૬ વર્ષીય જિગ્નેશ મેવાણી વકીલમાંથી રાજનેતા બન્યાં છે તે પહેલા વહેલા જુલાઈમાં ચર્ચામાં આવ્યાં હતા ત્યારે ઉનાકાંડને પગલે તેણે એક ચળવળ આદરી હતી. રાજકીય નિષ્ણાતો મેવાણીને ભાજપની વિરૂદ્ધના પ્રતિકારના એક ચહેરા તરીકે મૂલવી રહ્યાં છે. મતણગરીના એક દિવસ પહેલા મેવાણીએ ભાજપની જીતની વાતને નકારી કાઢતાં કહ્યું કે એક્ઝિટ પોલ બકવાસ છે. ભાજપ આ વખતે હારી રહી છે અને તે કોઈ પણ સંજોગોમાં સરકાર રચી શકે તેવી હાલતમાં નહીં રહે.