Ahmedabad

રાજ્યમાં આકરા ઉનાળાના એંધાણ સુરેન્દ્રનગર ૪ર.પ ડિગ્રીએ ભઠ્ઠીમાં શેકાયું

(સંવાદદાતા દ્વારા)અમદાવાદ,તા.ર
રાજ્યમાં ચાલુ વર્ષે ઉનાળો આકરો બની રહે તેવી સંભાવના છે. હજી તો એપ્રિલ મહિનો શરૂ જ થયો છે. ત્યાં તો મોટાભાગના વિસ્તારમાં ૪૦ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાજ્યમાં સુરેન્દ્રનગર ૪ર.પ ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર નોંધાયું હતું. જ્યારે ભૂજ, ડીસા, અમદાવાદ, અમરેલી, કંડલા, રાજકોટ, ગાંધીનગર, વડોદરા વગેરે શહેરોમાં પણ ૪૦ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં હાલ પડી રહેલી ગરમી જોતા હીટવેવ વધારે આકરો બનશે એવી આગાહી ગઈકાલે ગુજરાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વાતાવરણમાં રહેલા ભેજનું પ્રમાણ ઉત્તરોતર ઘટી રહ્યું હોવાથી બુધવારથી શનિવાર વચ્ચે ગુજરાતનું મહત્તમ તાપમાન વધીને ૪પ ડિગ્રીના આંકડાને સ્પર્શે. એવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સૂર્યપ્રકોપ ચરમસીમા પર પહોંચ્યા પછી તાપમાનમાં મામુલી ઘટાડો થવાની અને પછી એકાદ સપ્તાહ બાદ ફરીથી મહત્તમ તાપમાન ઉંચકાય અને ગરમી નવી રેકોર્ડ બનાવે એવી શક્યતા પણ ગુજરાત હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ વખતે હીટવેવની સીધી અસર બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં દેખાશે જ્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પ્રમાણમાં થોડી રાહત રહેશે. છેલ્લા બે દિવસથી પડી રહેલી ગરમી જોતા અને મંગળવારે દિવસ દરમિયાન તાપમાનનો પારો ૪૦થી ૪ર ડિગ્રી સુધી પહોંચી જતા આગાહી સાચી ઠરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

કયા શહેરમાં કેટલું તાપમાન
શહેર તાપમાન
સુરેન્દ્રનગર ૪ર.પ
ભૂજ ૪ર.૪
ડીસા ૪ર.૩
અમદાવાદ ૪ર.૦
અમરેલી ૪૧.૮
કંડલા એરપોર્ટ ૪૧.૮
રાજકોટ ૪૧.૭
ગાંધીનગર ૪૧.૦
વડોદરા ૪૦.૮
કંડલા પોર્ટ ૪૦.૩