Ahmedabad

રાજ્યમાં આકાશમાંથી વરસ્યા અગનગોળા : ગરમી વર્ષોનો રેકોર્ડ તોડે તેવી શક્યતા

અમદાવાદ,તા.રપ
રાજયમાં અંગ દઝાડતી ગરમીએ સમગ્ર પ્રકૃતિને બાનમાં લઈ લીધી છે. ઉત્તર પશ્ચિમના પવન ફુંકાવાના કારણે લોકો ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે. જેને કારણે લોકો ત્રાહીમામ થઈ ઉઠયા છે. આજે રાજયમાં અનેક સ્થળોએ તાપમાનનો પારો ૪ર ડિગ્રીથી પાર નીકળી ગયો હતો જે આગામી દિવસોમાં ૪પ ડિગ્રીની પાર નીકળી જાય તેવી શકયતા વ્યકત કરવામાં આવી છે. ત્યારે આ વર્ષે ગરમી અનેક રેકોર્ડો તોડે તો નવાઈ નહીં.
આગામી દિવસોમા ગરમીથી રાહત મળવાના કોઇ અણસાર નથી..ગુજરાત રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતા હવામાન ખાતાએ આગામી કરી છે. ૨૬થી૨૮ એપ્રિલ સુધી હિટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, વડોદરા, રાજકોટ મહાનગરો સહીત સુરેન્દ્રનગર અને અમરેલીમાં ગરમ પવન ફૂંકાશે. ગરમીનું તાપમાન ૪૫ને પાર પહોંચશે. જેને લઇને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આવનારા ૫ દિવસમાં રાજ્યમાં તાપમાનનો પારો ૪૩થી ૪૬ ડિગ્રી સુધી પહોંચી શકે છે એવી ચેતવણી આપી છે. એપ્રિલ મહિનામાં આ અગાઉ ૨૦૦૨માં પારો ૪૫ ડિગ્રીએ આંબી ગયો હતો. એટલે કે આ વખતે એપ્રિલની ગરમી ૧૭ વર્ષનો રેકોર્ડ તોડી શકે છે. ગુરૂવારે અમદાવાદમાં ઑરેન્જ અને શનિ-રવિવારે રેડ એલર્ટની ચેતવણી અપાઈ છે. રાજ્યના આરોગ્ય વિભાગે હિટવેવને લઇને તકેદારી રાખવાની સૂચના આપી છે..વધુ સમય તડકામાં ન રહી સુતરાવ કપડા પહેરવા. વધુ પ્રમાણમાં છાસ અને પાણી પીવું. વધારે પડતો પરસેવો થાય, અશક્તિ લાગે, ચક્કર આવે કે પછી ચામડી લાલ,ગરમ કે સુકી થાય તો તબીબની સલાહ લેવી. જોઈએ અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા, કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં ગરમ અને સૂકા પવનો ફૂંકાશે. અમદાવાદ શહેરમાં ગુરુવારે ઓરેન્જ એલર્ટ અને શુક્રવારે રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. એટલે અમદાવાદમાં ૪૫ ડિગ્રી ઉપર તાપમાન નોંધાવવાની સંભાવના વ્યક્ત કરાય છે. અમદાવાદમાં સહિત રાજયમાં દિવસે દિવસે તાપમાનનો વધતો પારો લોકોને અકળાવી રહ્યો છે. બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસો માટે રેડ એલર્ટ જાહેર કર્યુ છે. આવનારા દિવસોમાં ગરમીના પ્રકોપમા વધારાની વાત કરી છે. હાલમાં ગરમીને કારણે બપોરના સમયે શહેરનાં રસ્તા સુમસામ જોવા મળે છે. લોકો શેરડીનો રસ-છાસ-લસ્સી-શરબત જેવા ઠંડા પીણા પીને ઠંડક મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

કયાં કેટલું તાપમાન
સ્થળ મહત્તમ તાપમાન
અમરેલી ૪ર.૮
ગાંધીનગર ૪ર.૬
રાજકોટ ૪ર.૪
સુરેન્દ્રનગર ૪ર.૩
અમદાવાદ ૪ર.૦
ભૂજ ૪ર.૦
વડોદરા ૪૧.૪
સુરત ૩૯.૪
ડીસા ૩૯.૪
વીવીનગર ૩૯.ર