અમદાવાદ,તા.૩૦
અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાને લઈને ગુજરાત હાઇકોર્ટમાં આજે સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અમદાવાદમાં ટ્રાફિકની કામગીરીની પ્રશંસા કરી હતી, પરંતુ સાથે એવું પણ જણાવ્યું હતું કે આ પ્રક્રિયા સતત ચાલુ રહેવી જોઈએ. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ટ્રાફિક પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અમુક બાબતોને લઈને ટકોર પણ કરી હતી. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે જણાવ્યું હતું કે બીઆરએસ અને એએમટીએસના બસ ડ્રાઇવરો પણ નિયમોનું પાલન કરે તે એટલું જ જરૂરી છે. કોર્ટે કહ્યું હતું કે, ટાઉન પ્લાનિંગ અને વાહનની રજિસ્ટ્રેશન પદ્ધતિમાં પણ ફેરફાર કરવાની જરૂર છે. હાઇકોર્ટે રેસ્ટોરન્ટ અને હોસ્પિટલ બહાર પાર્કિંગની વ્યવસ્થા હોવી જોઈએ તેવી ટકોર કરી હતી. આ ઉપરાંત શહેરના શાકભાજીની લારીવાળાઓને પણ મેનેજ કરવાની ટકોર કરી હતી. કોર્ટે એવું પણ કહ્યું હતું કે શહેરના ચાર રસ્તાઓ પર રોકાયા વગર વાહનોની અવર-જવર ચાલુ રહેવી જોઈએ. આ માટે બીઆરટીએસ અને એએમટીએસના બસ ચાલકો પણ નિયમોનું ચુસ્ત પાલન કરે તે જરૂરી છે. સરકારી બિલ્ડિંગો અને સરકારી ઓફિસોમાં પણ પાર્કિંગ માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવે. હાઇકોર્ટે આજની સુનાવણી દરમિયાન અમદાવાદના રસ્તાઓ પર પડતા ભુવાઓને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વિશેષ ટકોર કરી હતી. એએમસી તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે રસ્તાઓ પર પડતા ભુવાઓ માટે જૂની પાઈપલાઈન જવાબદાર છે. એએમસી તરફથી કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, હાલમાં ૨૫ જગ્યાએ આ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે કોર્ટે આ અંગેનો રિપોર્ટ આવતી સુનાવણીમાં રજૂ કરવાનો આદેશ કર્યો છે. સ્કૂલો શરૂ થવાના તેમજ છૂટવાના સમયે રસ્તા પર થતાં ચક્કાજામ અંગે હાઇકોર્ટે ટ્રાફિક પોલીસને ટકોર કરતા જણાવ્યું હતું કે, આ સમસ્યાનો અંત લાવવામાં આવે. જરૂર પડે તો ટ્રાફિક પોલીસ સ્કૂલના સંચાલકો સાથે પણ વાતચીત કરે.
હાઈકોર્ટે તંત્રને કરેલા નિર્દેશો
• શહેરમાં રિક્ષા અને ઉબેર માટે અલગ સ્ટેન્ડ બનાવો
• સ્કૂલ અને કોલેજોની આસપાસ રસ્તા પર વાહનોને લીઘે ટ્રાફિક સમસ્યા સર્જાય છે વાલીઓ પોતાના વાહનો રોડ પર ના ઉભા રાખે
• સ્કૂલની જવાબદારી છે કે, વાલીઓ અને સ્કૂલના વાહનોને પ્રીમાઈસીસમાં રાખવા
• સરકારી બિલ્ડિંગ અને ઓફિસમાં પણ રોડ પરના પાર્કિંગને નિયમન કરો
• હોટલ, રેસ્ટોરન્ટ બહાર ફૂટપાથ પર પાર્કિંગને નિયમન કરો
• શહેરના ચાર રસ્તા પરથી પાનના ગલ્લા, લારી ગલ્લાઓ અને ચા વાળાઓને હટાવો
• જાહેર રોડ પરના દબાણોને કડકડાઈથી હટાવો
• ૭૫ ટકા રોડ લારી ગલ્લાવાળા અને શાકભાજીવાળાઓ દ્વારા રોકી દેવાયો છે.
• રસ્તાની સ્થિતિ જુઓ તો ખ્યાલ આવશે કે હજુયે કેટલાય વિસ્તારમાં સ્થિતિ સુધરી નથી
• કોમ્પલેક્સમાં પાર્કિગ સુવિઘા જરૂરી
• મુલાકાતીઓના વાહનો માટે નો પ્રવેશના બેનરો હોવા જોઈએ નહીં.