(સંવાદાતા દ્વારા) અમદાવાદ, તા.૨૪
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા બિલીમોરા નગરપાલિકા દ્વારા અંબિકા નદી નજીક ઘન કચરો ઠાલવવા સામે જાહેર હિત ની અરજી થઈ હતી. આ અરજી માં હાઇકોર્ટના જસ્ટિસ એસ. આર. બ્રહ્મભટ્ટ તથા જસ્ટિસ વી. પી. પટેલની ખંડપીઠે જળ પ્રદૂષણ ન ફેલાય તે રીતે આ જગ્યાએ જરૂરી મશીનરી ઊભી કરી વૈજ્ઞાનિક રીતે કચરાનો નિકાલ કરવા હુકમ કર્યો છે. તેની સાથે જળ પ્રદૂષણ ન થાય તે માટે વોટર એકટનું ચુસ્તપણે પાલન કરવા એક મહિનાનો સમય આપ્યો છે. આ આદેશનું પાલન કરી દિવાળી વેકેશન બાદ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવા નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત જિલ્લા કલેકટર તેમજ જી.પી.સી. બીને આદેશ આપ્યો છે. અરજદાર દ્વારા એક જાહેર હિતની અરજીમાં બીલીમોરા નગરપાલિકા દ્વારા ૨૦૦૬થી અંબિકા નદીના કિનારે ઘન કચરો ઠાલવવામાં આવે છે. જેનાંથી નદીના પાણીમાં અને આસપાસના વિસ્તારમાં ગંદકી તેમજ રોગચાળો ફેલાતો હોઇ, તે રોકવા દાદ માંગતી અરજી કરી હતી. સરકાર દ્વારા એવી રજૂઆત કરાઈ હતી કે આ જગ્યા સરકારી ગૌચર જમીન છે. આ સિવાય બીજી કોઈ જગ્યા નગરપાલિકા પાસે નથી. બંને પક્ષોની દલીલો રજૂઆત ધ્યાનમાં લીધા બાદ હાઇકોર્ટ ઉપરોક્ત હુકમ કર્યો હતો.