ગુજરાતમાં કોંગ્રેસ-એનસીપીના ૧૧ ધારાસભ્યોએ ક્રોસ-વોટિંગ કરતાં હવે નવાજૂનીનાં એંધાણ !

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.ર૦
દેશના રાષ્ટ્રપતિની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થતા ગુજરાતમાં રાજકીય પક્ષોની સ્થિતિનો સાચો ખ્યાલ આવી જવા પામ્યો છે. ભાજપ-કોંગ્રેસ એનસીપી અને જનતા દળ એમ ચાર પ્રશ્નોના ગુજરાત વિધાનસભાના સભ્યો પૈકી કોંગ્રેસ-એનસીપીના ૧૧ જેટલા ધારાસભ્યોએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ-વોટિંગ કર્યું હોવાની વિગતો બહાર આવી છે. જનતા દળના અંતે માત્ર ધારાસભ્ય છોટુ વસાવાએ મતદાન જ કર્યું ન હતું. ત્યારે બાકીના ૧૮૧ ધારાસભ્યો પૈકી ભાજપ તરફી ઉમેદવાર રામનાથ કોવિંદને ૧૧ સભ્યોના મત વધુ મળતા તેમાં કોંગ્રેસના સભ્યોના ક્રોસ વોટિંગનો પર્દાફાશ થતા હડકંપ મચી જવા સાથે ગુજરાત કોંગ્રેસમાં નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે. કોંગ્રેસના ક્રોસ-વોટિંગ કરનારા સભ્યોના નામોને લઈને અટકયો તથા ચર્ચાઓનો દોર શરૂ થઈ જવા પામ્યો છે. તો બીજી તરફ પ્રદેશ અગ્રણીઓએ ચિંતા સાથે ખરી વિગતો મેળવવાની કવાયત આરંભી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.
તા.૧૭ જુલાઈએ રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં ગુજરાતના કુલ ૧૮ર પૈકી ૧૮૧ ધારાસભ્યોને મતદાન કર્યું હતું. તે પૈકી ભાજપના નલિન કોટડિયાએ તો ખુલ્લે-ખુલ્લા પોતે મીરાં કુમારને મત આપ્યો હોવાનું જણાવી દીધું હતું. પરિણામ મુજબ કોવિંદને ગુજરાતમાં ૧૯૪૦૪ મત-મૂલ્ય મળ્યા છે જે દર્શાવે છે કે ૧૩ર સભ્યોએ તેમને મત આપ્યા છે. જયારે કોંગ્રેસના ઉમેદવાર મીરાં કુમારને ૭ર૦૩ મત મૂલ્ય મળતા ૪૯ સભ્યોએ તેમને મત આપ્યાનું બહાર આવ્યું છે. કોંગ્રેસના પ૭ અને એનસીપીના બે મળી પ૯ તથા નલિન કોટડિયાના મત સહિત કુલ ૬૦ સભ્યોના મત મીરાં કુમારને મળવા જોઈતા હતા તેની સામે ૪૯ સભ્યોના જ મત મળતા અને સામે ભાજપને ૧ર૧ સભ્યોને બદલે ૧૩ર સભ્યોના મત મળતા ૧૧ સભ્યોએ ક્રોસ વોટિંગ કર્યાની વિગતો બહાર આવી છે. ક્રોસ વોટિંગ કરનાર આ ૧૧ સભ્યોમાં એનસીપીના બે તથા કોંગ્રેસના પ૭ સભ્યોમાંથી જ હોઈ શકે છે. એટલે આ ૧૧ના નામની અટકળો હવે શરૂ થઈ જવા પામી છે. માનો કે તેમા બે એનસીપીના હોય તો બાકીના કોંગ્રેસના ૯ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરી હોવાનું સ્પષ્ટ થાય છે.
ક્રોસ-વોટિંગ કરનારા સંભવિત ધારાસભ્યોના નામો જે વહેતા થયા છે તેમાં શંકરસિંહ બાપુ જૂથના સભ્યો હોવાની વિગતો છે. જેમાં શંકરસિંહ વાઘેલા, મહેન્દ્રસિંહ વાઘેલા, કામિનીબા રાઠોડ, તેજશ્રીબેન પટેલ, રાઘવજી પટેલ, મેરામણ ગોરિયા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, એનસીપી કાંધલ જાડેજા, જયંત બોસ્કી વગેરેના નામો ચર્ચાયા છે. આ સભ્યોએ એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદને મત આપીને કોંગ્રેસ પક્ષના આદેશનો ભંગ કર્યો છે જેને પગલે કોંગ્રેસ પોતાના આવા ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા સુધીના પગલા ભરી શકે છે. કોંગ્રેસના કુલ પ૭ ધારાસભ્યોમાંથી ૯ કોંગ્રેસ સામે નારાજગી વ્યકત કરવા માટે ક્રોસ-વોટિંગ કર્યું હોવાની ચર્ચા છે જો કે હવે કોંગ્રેસના અગ્રણીઓ આ મુદ્દે આગળ શું નિર્ણય લે છે તે જોવું રહ્યું.
કોંગ્રેસની જૂથબંધી ખુલ્લી પડી આજે બાપુની વેદના જાહેર થશે
એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદ આજે રાષ્ટ્રના ૧૪મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે ત્યારે ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસના ધારાસભ્યોએ ક્રોસ-વોટિંગ કર્યાની વિગતો બહાર આવતા તેના વિવિધ પ્રત્યાઘાત પડવા સાથે રાજકીય ગરમાવો આવી જવા પામ્યો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ પરિણામની વિગતો પરથી કહ્યું હતું કે, કોંગ્રેસની જૂથબંધી ખૂલ્લી પડી ગઈ છે. કોંગ્રેસ પક્ષમાં કોઈ સભ્યો કોઈનું માનતા જ નથી કોંગ્રેસ વેર-વિખેર થઈ ગઈ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ર૦૧૭ની ચૂંટણીમાં કોંગ્રેસનો ખૂબ જ નબળો દેખાવ સ્પષ્ટ જણાય છે તે કયાંય પણ સ્પર્ધામાં નથી. તેમણે શંકરસિંહ બાપુ અંગે સૂચક રીતે કહ્યું કે, આવતીકાલે બાપુની વેદનાની ખબર પડશે. હવે કોંગ્રેસના જૂથો એકબીજા ઉપર આક્ષેપો કરશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસના સભ્યોના ક્રોસ વોટિંગ અંગે જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks