Ahmedabad

ગુજરાતમાં દલિતો પર અત્યાચારના બનાવો વધતા, સરકાર પર અવિશ્વાસ જાહેર કરાયો

અમદાવાદ, તા.૪
ગુજરાત રાજયમાં છેલ્લા ૨૮ વર્ષોમાં દલિતો પર ૩૬ હજાર જેટલા અત્યાચારના બનાવો નોંધાયા છે. સને ૧૯૮૯થી લઇ ૨૦૧૭ સુધીના વર્ષોની દલિતો પર અત્યાચાર અને દમનના બનાવોની આરટીઆઇ હેઠળ મેળવવામાં આવેલી માહિતીમાં આ ચોંકાવનારા આંકડા સામે આવતાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે ગુજરાતના રાજકારણમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. માહિતી અધિકારના કાયદા હેઠળ મેળવાયેલી માહિતીમાં આ સનસનીખેજ આંકડા સામે આવતાં અને તાજેતરમાં રાજયમાં દલિતો પર અત્યાચારના બનાવો અને આજે દલિત આગેવાન જીગ્નેશ મેવાણીની અટકાયત બાદ અનુસૂચિત જાતિ અધિકાર આંદોલન અંતર્ગત ગુજરાતના દલિતો દ્વારા ભાજપ સરકાર પર ખુલ્લો અવિશ્વાસ જાહેર કરવામાં આવ્યો હતો. અનુસૂચિત જાતિ અધિકાર આંદોલનના કન્વીનર કીરીટ રાઠોડે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપના શાસનમાં દલિતો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. દલિતો ભયભીત અને દમન-અત્યાચારનો શિકાર બની રહ્યા છે ત્યારે ગુજરાતમાં દલિત વિરોધી માનસિકતા ધરાવતી ભાજપ સરકાર પર અવિશ્વાસ જાહેર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતમાં દલિતો પરના અત્યાચાર અંગે છેલ્લા ૨૮ વર્ષોની મેળવાયેલી આરટીઆઇ હેઠળની માહિતીમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે કે, છેલ્લા ૨૮ વર્ષમાં ગુજરાતમાં દલિતો પર અત્યાચારના ૩૬ હજાર બનાવો, દલિતોની હત્યાના ૫૫૨ બનાવો, દલિત સ્ત્રીઓ પર બળાત્કારના ૯૫૨ બનાવો, દલિતો પર દમનના ગંભીર એવા ૧૯૬૩ બનાવો, દલિતોની મિલક્તને નુકસાનના ૩૬૨ બનાવો નોંધાવા પામ્યા છે. ખુદ રાજયના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સેલ, ગાંધીનગર દ્વારા જારી કરાયેલા આ આંકડા ચોંકાવનારા છે. જે પરથી સ્પષ્ટ થાય છે કે, ગુજરાતમાં દલિતોની હત્યાના બનાવોમાં ૨૦૦ ટકા અને દલિત સ્ત્રીઓના બનાવમાં ૫૦૦ ટકાનો વધારો નોંધાયો છે. તેમણે ઉમેર્યું કે, તાજેતરમાં છેલ્લા પંદર દિવસમાં દલિતો પર અત્યાચારના અને હિંસાના બનાવો નોંધનીય હદે વધ્યા છે. ગાંધીનગરમાં દલિત યુવકને મૂછ રાખવા બદલ મારવાની ઘટના, બોરસદમાં નવરાત્રિ દરમ્યાન ગરબા જોવા ગયેલા દલિત યુવકની હત્યા અને ગૃહમંત્રીના રાજીનામાની માંગણી કરનાર દલિત આગેવાન જીગ્નેશ મેવાણીની અટકાયત સહિતના બનાવો નિંદનીય અને વખોડવાપાત્ર છે. ચોંકાવનારી વાત તો એ છે કે, છેલ્લા ત્રણ વર્ષમાં દલિતો પર અત્યાચાર અંગેના કુલ ૧૬,૮૦૦ કેસો કોર્ટમાં હતા, જેમાંથી ૨૨૭૬ કેસોનો નિકાલ થયો અને માત્ર ૧૧૧ કેસો જ સાબિત થયા. આમ દલિતોના કેસમાં સજાનું પ્રમાણ માત્ર ૪.૮૭ ટકા છે.