ગીરમાં ૧૧ સિંહોના મોતનો મામલો દિલ્હીમાં કેન્દ્રીય વન વિભાગની ટીમના ગુજરાતમાં ધામા

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.રર
ગુજરાતની આગવી ઓળખ અને શાન ગણાતા ગીર જંગલના ૧૧ એશિયાટીક સિંહોના દસ જ દિવસમાં થયેલા મોતના પડઘા દિલ્હીમાં પણ પડતા દિલ્હીની વન વિભાગની ટીમ તાત્કાલિક ગુજરાત દોડી આવી છે અને જે સ્થળોએ સિંહોના મોત થયા હતા તે સ્થળોની મુલાકાત લઈ સ્થાનિક ટીમ સાથે ચર્ચા વિચારણા કરી હતી.
ગુજરાતમાં સિંહોના મોતની કેન્દ્ર સરકારે ગંભીર નોંધી લીધી છે. કેન્દ્ર સરકારના વન વિભાગની ટીમે ગુજરાત દોડી આવી ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. આ ટીમમાં નેશનલ ટાઇગર કન્ઝર્વેટિવ ઓથોરિટીના પ્રતિનિધિ તથા જોઇન્ટ ડાયરેક્ટર વાઇલ્ડ લાઇફના છૈંય્ પણ સામેલ હતા. કેન્દ્ર ટીમ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી તથા સિંહોના મોત કેવી રીતે થયા તે અંગે સ્થાનિક ટીમ સાથે ચર્ચા કરી હતી. ગીરના જંગલમાં છેલ્લા ૧૦ દિવસમાં ૧૧ સિંહોના મોત થવા અંગે વન વિભાગે પત્રકાર પરિષદ કરીને માહિતી આપી હતી. મુખ્ય વન સંરક્ષક જી.કે.સિંહાએ ગાંધીનગર ખાતે મીડિયાને સંબોધતા કહ્યુ કે દલખાણિયા એક રેન્જમાં જ નહીં પરંતુ બે રેન્જમાં સિંહોનાં મોત થયા છે. સિંહોના મોતનું કારણ ઇનફાઈટ છે. વાયરલથી સિંહોનાં મોત થયા હોવાની કોઈ માહિતી મળી નથી.
કૂતરાએ ખાધેલા મારણ બાદ જો તે સિંહ ખાય તો તેની લાળથી સિંહોમાં કેનાઇન ડિસ્ટેમ્પર નામનો વાઈરસ ફેલાય છે, જેના કારણે સિંહોના જીવ સામે મોટું જોખમ ઊભું થઈ શકે છે. જો કે, વન વિભાગે સિંહોના મૃતદેહો પર આ વાઈરસ અંગે તપાસની કોઈ દરકાર લીધી નથી. ૧૫ દિવસ પહેલા એક સિંહે કૂતરા દ્વારા ખાવામાં આવેલું મારણ ખાતા તુલસીશ્યામ રેન્જના ૧૪૦ સિંહ પર પણ આ કેનાઇન ડિસ્ટમ્પર નામના વાઇરસના સકંજામાં આવવાની સંભાવના છે.
૬ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ રાજુલા રેન્જ દ્વારા ઘાયલ સિંહને પકડવા માટે પાંજરું મુકવામાં આવ્યું હતું. આ પાંજરામાં કૂતરા દ્વારા ખાવામાં આવેલું મારણ સિંહને આપ્યું હતું. આ દિવસે બપોરે પાંજરામાં મુકવામાં આવેલું મારણ કૂતરા અને તે જ રાતના ૨ વાગ્યે આ ઘાયલ સિંહ તેમજ અન્ય સિંહના ગ્રુપે આ મારણ ખાધું હતું. આ ઘાયલ સિંહ તે રાત્રે જ પકડાયો હતો અને રાજુલા ખાતે તેને ૩ દિવસ સારવાર આપવામાં આવી હતી. ત્યાર બાદ આ સિંહને કતારધારમાં છોડવામાં આવ્યો હતો. હાલ આ સિંહ ક્યાં અને કઈ પરિસ્થિતિમાં છે તેની જાણકારી રાજુલા રેન્જ વનવિભાગ પાસે નથી. રાજુલા રેન્જ દ્વારા આ ઘાયલ સિંહ છોડવામાં આવ્યો ત્યારે બોર્ડર ગણાતી તુલસીશ્યામ રેન્જને આ અંગે કોઈ જ માહિતી આપી નથી. જ્યારે આ ઘાયલ સિંહ તેમજ અન્ય સિંહોએ કે દીપડાએ કૂતરાએ ખાધેલું મારણ ખાધું હોવાથી આ સિંહો પણ આ વાઈરસનો શિકાર થવાની સંભાવના નકારી શકાય તેમ નથી. આમ ૧૫ દિવસ પહેલા કૂતરાએ ખાધેલું મારણ ખાધા બાદ ઇજાગ્રસ્ત સિંહને સારવાર આપી વાઇરસની તપાસ કર્યા વગર જ છોડી મુકવામાં આવ્યો હતો.આમ આ સિંહને કારણે હાલ તુલસીશ્યામ રેન્જના ૭ રાઉન્ડના ૧૪૦ સિંહો પર જીવનું જોખમ તોળાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, સીએમ વિજય રૂપાણીએ ગીરમાં સિંહોના મોત અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, જરૂર પડશે તો તમામ સિંહોનું પરીક્ષણ કરવામાં આવશે. સિંહોના મોત અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જો કોઈની બેદરકારી સામે આવશે તો તેની સામે કડક પગલાં લેવામાં આવશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks