(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૪
છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની રહેલ હિનદી ફિલ્મ “પદ્માવત” સામે જારી રહેલ હિંસક વિરોધે રાજ્ય સરકારની ઊંઘ હરામ કરી દીધી છે. દેશભરમાં ભારેલા અગ્નિ વચ્ચે આવતીકાલે પદ્માવત રિલીઝ થવા જઈ રહી છે અને તે માટે સુપ્રીમ કોર્ટના આદેશો પણ છે. ત્યારે ગુજરાતમાં આ ફિલ્મ નહીં દર્શાવવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે. દરમ્યાન આ વિવાદ અનુસંધાને ગુજરાત બંધનું જે એલાન અપાયું હતું તે અંગે ગુજરાત સરકાર દ્વારા બંધનું એલાન આપનાર રાજપૂત સમાજ સહિતના સંગઠનો સાથે બેઠક કરી શાંતિ માટે બંધ નહીં રાખવા અપીલ કરાતાં આ સંગઠનોએ બંધમાં નહીં જોડાવવાનો નિર્ણય લીધો છે. આની સાથે સાથે સરકાર તરફથી સમગ્ર રાજ્યમાં ખાસ કરીને સીનેમા થિયેટરો સહિતના વિસ્તારોમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી પેટ્રોલીંગ શરૂ કરી દેવાઈ છે અને સુરક્ષા માટે એસઆરપી, આરએએફ, હોમગાર્ડ સહિતની ફોર્સ પણ તૈનાત કરી દેવાઈ છે. ગતરોજ હિંસક બનાવોને લઈને સરકાર દ્વારા બેઠકોનો દોર આરંભી પરિસ્થિતિ થાળે પાડવાનો પ્રયાસ કરાયો હતો. જો કે તેમાં રાજપૂત સમાજ પોતાનું ધાર્યું કરાવવામાં સફળ રહેવા પામ્યો હોવાની ચર્ચાઓ રાજ્યભરમાં શરૂ થઈ જવા પામી છે.
ફિલ્મ પદ્માવત વિવાદ પર રાજપૂત આગેવાનો સાથે રાજ્ય સરકારે બેઠક યોજી હતી. સરકાર અને રાજપુત સમાજ સાથેની બેઠક બાદ રાજ્ય કક્ષાના પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. અહીં ભૂપેન્દ્રસિંહે જણાવ્યું કે ગુજરાતમાં ક્યાંય પણ પદ્માવત ફિલ્મ નહીં દર્શાવાય. સરકાર સાથેની ચર્ચા બાદ તમામ રાજપુત સમાજના સંગઠનોએ આવતીકાલના બંધમાં નહી જોડાવાનો નિર્ણય લીધો છે.ફિલ્મ પદ્માવત રિલીઝ કરવા પર તેમણે કહ્યું કે સરકાર લોક લાગણીની સાથે છે. ગુજરાતના તમામ થિયેટર માલિકોએ ફિલ્મ નહીં બતાવવાનો નિર્ણય કર્યો છે. આ બેઠકમાં મંત્રી પ્રદિપસિંહ જાડેજા તથા અન્ય મંત્રી જયદ્રથસિંહ પરમાર પણ હાજર રહ્યા હતા. પદ્માવતના રીલિઝ સામે આવતીકાલે કરણી સેનાએ આપેલા બંધના એલાનમાં ગુજરાતનો રાજપૂત સમાજ નહીં જોડાય. ગાંધીનગરમાં રાજપૂત સમાજના અગ્રણીઓ વચ્ચે બેઠક મળી હતી. આ બેઠક બાદ રાજય સરકારે ઉપર મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યુ કે ગુજરાતમાં પદ્માવતને થિયેટર્સ જ રજૂ નથી કરી રહ્યા. ત્યારે હવે ગુજરાતમાં બંધનો સવાલ નથી.ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવો જોઇએ કે નહી તે અંગે પૂછાતા તેમણે કહ્યુ કે તેઓ લોકલાગણીની સાથે છે. તેમણે વીતી રાતે અમદાવાદમાં થયેલી હિંસા પાછળ અસામાજિક તત્વોનો હાથ ગણાવ્યો હતો. આવતીકાલે શાળા-કોલેજો પણ ચાલુ રહેશે તેમ પણ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. કરણી સેનાના રાજ શેખાવતે પદ્માવત મુદ્દે ગુજરાત સરકારે આપેલા અત્યાર સુધીના સહકારને બિરદાવ્યો હતો. તેમણે કહ્યુ કે સરકારે ચૂંટણી પહેલા અને ત્યાર બાદ પણ પ્રતિબંધ મૂક્યો હતો. તે બદલ તેમણે આભાર માન્યો હતો. આ સાથે તેમણે વીતી રાતે અમદાવાદમાં થયેલી હિંસામાં કરણી સેનાનો હાથ હોવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે કરણી સેનાને બદનામ કરવાનો પ્રયાસ કરાયો છે. કરણી સેના હિંસાને કદી સમર્થન નથી આપતી. બુધવારે મલ્ટીપ્લેક્સના માલિકોએ મીટિંગ કરીને સીનેમાઘરોમાં ફિલ્મ નહીં બતાવવાનો નિર્ણય કર્યો છે. મલ્ટીપ્લેક્સ એસોસીએશનના મનુભાઈ પટેલે જણાવ્યું હતું કે પદ્માવતનો વિરોધ જોતાં મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ રિલીઝ નહીં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.