ગુજરાતમાં ખેડૂતો, ગરીબો અને યુવાનોની સરકાર બનશે : રાહુલ ગાંધી

 

રાહુલ ગાંધીએ ગુજરાતના ગ્રામ્ય જીવનની મજા માણી : બળદગાડામાં મુસાફરી, ખાટલા પરિષદ અને કટોરામાં ચાની ચૂસકી લીધી

ગુજરાતમાં સૌરાષ્ટ્ર ઝોનથી ચૂંટણી પ્રવાસની કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનું મીઠાપુર એરપોર્ટ ખાતેથી શરૂઆત કરતાં કોંગ્રેસના આગેવાનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. તેમણે દ્વારકાધીશના દર્શન બાદ રોડ શોની શરૂઆત કરતાં રસ્તામાં ઠેર-ઠેર તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. એક તબક્કે તો રાહુલ ગાંધી શણગારેલા બળદગાડામાં બેસી લોકોની વચ્ચે ગયા હતા અને ગ્રામજનોનું અભિવાદન ઝીલ્યું હતું. ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારમાં પહોંચેલા રાહુલ ગાંધીએ ખાટલા પરિષદ પણ યોજી હતી અને ખેડૂતોના પ્રશ્નો અને તેમની વેદના સાંભળી હતી અને ગ્રામજનોએ પ્રેમથી પીરસેલા કટોરામાં અર્પણ કરેલી ચાની ચૂસકીનો આસ્વાદ પણ માણ્યો હતો.

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.રપ
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચારના બીજા તબક્કાનો સૌરાષ્ટ્રથી પ્રારંભ કર્યો હતો. સૌરાષ્ટ્ર યાત્રાની શરૂઆત રાહુલ ગાંધીએ દ્વારકાથી કરી હતી જ્યાં દ્વારકાધીશ મંદિરમાં દર્શન કરી. નવસર્જન યાત્રા શરૂ કરી હતી. દ્વારકાથી જામનગર સુધી ભવ્ય રોડ શો કરી રાહુલ ગાંધી ભાટિયા ગામ પહોંચ્યા હતા. જ્યાં સભાને સંબોધન કરતા તેમણે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર પર વિવિધ મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા.
રાહુલ ગાંધીએ ભાટિયામાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં બેકારીની સમસ્યા વિકરાળ બની છે. લોકસભાની ચૂંટણી સમયે મોદી દ્વારા દર વર્ષે બે કરોડ લોકોને નોકરી આપવાનું વચન આપવામાં આવ્યું હતું. પરંતુ તે વચન હજી સુધી પળાયું નથી. ભારતનો યુવા વર્ગ રોજગારી ઈચ્છે છે પરંતુ મોદી સરકાર રોજગારી આપવામાં નિષ્ફળ નિવડી છે.
જીએસટી અંગે પ્રહાર કરતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે જીએસટીને કારણે લાખો વેપારીઓના ધંધા-રોજગાર ઠપ્પ થઈ ગયા છે. જીએસટી એ એક પ્રકારનો નથી, પરંતુ પાંચ પ્રકારનો છે. જીએસટીની આખી પદ્ધતિ જ ખામી ભરેલી છે. જેનો લોકો ભોગ બની રહ્યા છે. જીએસટી લાગુ કરવામાં ખૂબ જ ઉતાવળ કરવામાં આવી છે. જો લોકોને વિશ્વાસમાં લઈ તેઓને નિશ્ચિત મુદ્દત આપ્યા બાદ તબક્કાવાર અમલ કરવામાં આવ્યો હોત તો લોકો જીએસટીને સ્વીકારી લેત. પરંતુ ઉતાવળમાં અમલ કરવાથી કરોડો લોકો પરેશાનીમાં મુકાઈ ગયા છે. ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવો મળતા નથી. આથી તેઓની હાલત દયનિય બની ગઈ છે.
નોટબંધીના મુદ્દે વાત કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે નોટબંધીનો નિર્ણય રાતોરાત લઈ આ સરકારે પ્રજાને મુશ્કેલીમાં મુકી દીધી છે. કેન્દ્ર સરકાર નાના લોકોને પૂરતી સુવિધા આપવામાં નિષ્ફળ નિવડી છે. આ સરકાર ગરીબો વેપારીઓ કે ખેડૂતોની નહીં પરંતુ ઉદ્યોગપતિઓની સરકાર છે. આથી જો કોંગ્રેસ ગુજરાતમાં સત્તા પર આવશે તો ગરીબો અને ખેડૂતોની સરકાર હશે તેવો તેમણે વાયદો કર્યો હતો. દરમિયાન ખંભાળિયામાં ખેડૂતો અને લોકોને જોઈ રાહુલ ગાંધીએ પ્રશ્ન પૂછ્યો હતો કે ગુજરાતમાં વિકાસને શું થયું છે. તેમ કહેતા જ લોકોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.

 

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks