(એજન્સી) નવી દિલ્હી, તા.ર
સુપ્રીમકોર્ટે જણાવ્યું છે કે, એ કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચ વિરૂદ્ધ દાખલ કરાયેલ ‘નોટા’ દૂર કરવાની માગણી કરતી અરજીની સુનાવણી કરશે. ચૂંટણીપંચે ગુજરાત રાજ્યસભાની ચૂંટણીઓમાં ‘નોટા’નો વિકલ્પ આપતું જાહેરનામું બહાર પાડયું છે. અરજદાર વતી દાખલ કરાયેલ અરજીની તાત્કાલિક સુનાવણીની માગણી કપિલ સિબ્બલે કરતાં સુપ્રીમકોર્ટે આવતીકાલે સુનાવણી કરવાની જાહેરાત કરી છે. સિબ્બલે કહ્યું કે બંધારણમાં ‘નોટા’ની જોગવાઈ જ નથી. કોંગ્રેસ ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણી જીતવા મરણિયા પ્રયાસો કરી રહી છે. અહીંથી સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહમદ પટેલ રાજ્યસભાની ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસના ૬ ધારાસભ્યોએ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે અને કોંગ્રેસ ૪૪ ધારાસભ્યોને ફૂટી જવાના ભયના લીધે બેંગ્લુરૂ લઈ ગઈ છે. ર૦૧૪ની સામાન્ય ચૂંટણીઓમાં સુપ્રીમકોર્ટના આદેશથી બધા જ ઈવીએમમાં નોટાનો વિકલ્પ ફરજિયાત મૂકાયો હતો. જેનો અમલ ચૂંટણીપંચે ગુજરાત રાજ્યસભામાં કરાવવા જાહેરનામું બહાર પાડયું છે. વિરોધ પક્ષના નેતા ગુલામનબી આઝાદે કહ્યું કે ફકત ગુજરાત જ માટે આ પ્રકારની જોગવાઈ છે જેથી એવું લાગે છે કે, દેશમાં જમ્મુ-કાશ્મીર પછી ત્રીજા રાજ્યમાં બે બંધારણો અમલમાં છે.