
અમદાવાદ, તા.પ
રાજ્યભરમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી બાદ સમગ્ર રાજ્યમાં મેઘાવી માહોલ જામ્યો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ વરસાદ વાપીમાં ૧૨ ઈંચ ખાબક્યો છે જ્યારે વલસાડના પારડીમાં ૯.પ ઈંચ, ઉમરગામમાં ૬.પ, વલસાડમાં પ.૬, ઓલપાડ અને ગણદેવીમાં ૬ ઈંચ જ્યારે ધરમપુરમાં ૪.૬ ઈંચ વરસાદ ખાબક્યો છે.
માત્ર ખેક જ રાતમાં ખાબકેલા ૧ર ઈંચ જેટલા વરસાદે વાપીમાં ચોતરફ જઈબંબાકારની સ્થિતિનો નિર્માણ કરી દેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે દક્ષિણ ગુજરાતમાં અન્ય અનેક સ્થળોએ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે.
હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે ત્યારે સૌરાષ્ટ્રમાં ગુરૂવાર સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજુલા પંથકમાં સતત મેઘરાજા મહેરબાન બન્યા હોય તેમ આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. રાજુલાના નવા આગરીયા, મોટા આગરીયા સહિત ગામોમાં ધોધમાર વરસાદ પડતા સ્થાનિક નદીઓમાં પૂર આવ્યા હતા. વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. તેમજ ખાંભા પંથકમાં આજે સવારે ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. તાલાલા અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર ૬ ઇંચ વરસાદ વરસતા રસ્તાઓ અને ખેતરો પાણી પાણી થઇ ગયા હતા. સુત્રાપાડામાં દોઢ ઇંચ અને વેરાવળ, ગીરગઢડામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. રાજકોટમાં પણ એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગોંડલના કોલિથડ સહિત મોટાભાગના ગામડાઓમાં સારો વરસાદ પડી રહ્યો છે. ગીરના જંગલમાં ૭ ઇંચ વરસાદ નોંધાયો છે. ધ્રોલના જાયવા ગામે પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહીને પગલે અમરેલી જિલ્લા કલેક્ટરે ૧૧ તાલુકા મથકો પર મામલતદાર, ટીડીઓ અને ચીફ ઓફિસરને સ્ટેન્ડ ટુ રહેવા લેખિતમાં સુચના આપી છે. ખાંભાના ડેડાણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા બીજા દિવસે પણ મહેરબાન થયા છે. ખાંભાના ગ્રામ્ય વિસ્તારો રાયડી, પાટી, રાણીંગપરા, સરાકડયા, કોદીયા સહિતના ગામોમાં સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી ડેડાણની અશોક નદીમાં પ્રથમ વખત પૂર આવતા મોટી સંખ્યામાં લોકો જોવા ઉમટ્યા હતા. પડધરીમાં બે, ધ્રોલમાં પોણા બે અને વંથલીમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. ભાવનગર જિલ્લામાં અડધાથી ૨ ઇંચ વરસાદ નોંધાયો છે. માંગરોળમાં ૩ ઇંચ વરસાદ નોંધાયો છે. ગોંડલ અને કોટડાસાંગાણીના ગામડાઓમાં ૩ ઇંચ વરસાદ નોંધાયો છે. જામકંડોરડાનો ફોફળ ડેમ ૮૦ ટકા ભરાય જતા હેઠળવાસના ગામડાઓને એલર્ટ કરાયા છે. અમરેલી ગીર,રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગરમાં મેઘરાજાની મહેર યથાવત છે. જંગલ વિસ્તારમાં સવારે સાડા દસથી બાર વાગ્યા સુધીમાં બે ઇંચ વરસાદ પડતા શિંગોડા ડેમ ઓવરફ્લો થયો છે. પાણીની આવક વધતા શિંગોડા ડેમનો એક દરવાજો ૩૦ સેન્ટીમિટર સુધી ખોલવામાં આવ્યો છે. દીવમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. ખાંભામાં બે ઈંચ વરસાદ વરસતા શેરીઓમાં પાણી ભરાય ગયા હતા. ઉમેજ ગામમાં વરસાદને કારણે કાચુ મકાન ધરાશાયી થયું હતું. મકાન ધરાશાયી થતા કોઇ જાનહાનિ સર્જાઇ નથી. ઘરના તમામ લોકો વાડીએ હતા. ગીરગઢડામાં રાવલ નદી અને શાહી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું.
આગામી ચાર દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા
ગુજરાતમાં મેઘરાજાએ પોતાની સિન્ચુરી નોંધાવી દીધી છે. રાજ્યમાં સિઝનનો ૧૦૦ ટકા વરસાદ પડી ગયો છે. તેમ છતાં હજૂ પણ રાજ્યભરમાં આગામી ૪ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર ધીમે ધીમે ગુજરાતના કચ્છમાં સક્રિય બન્યું છે. જેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય સુરત, ડાંગ, તાપી, ભરૂચ, દીવ, વલસાડ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, પોરબંદર, પંચમહાલ, દાહોદ, રાજકોટ, જામનગર, છોટાઉદેપુર, મોરબી, ખેડા, મહિસાગર, કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ૫ દિવસમાં ૨૮ જિલ્લામાં ભારે વરસાદ થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે માછીમારોને ૬ અને ૭ સપ્ટેમ્બરે દરિયો ન ખેડવા સૂચના આપી દીધી છે. આગામી બે દિવસમાં રાજ્યમાં હજુ પણ ધોધમાર વરસાદ પડી શકે છે. બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે જ્યારે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં ૧૦૦ ટકા વરસાદ થયો છે.
નર્મદા ડેમની સપાટી ૧૩પ.૬પ મીટરે પહોંચતા ર૧ દરવાજા ખોલ્યા
કેવડિયા ખાતે ઉપરવાસમાંથી ભારે આવકને પગલે છેલ્લા ૨૭ દિવસથી નર્મદા ડેમમાં સારી એવી નવા નીરની આવક થઇ રહી છે, જેના કારણે નર્મદા ડેમમાંથી સતત ઓવરફ્લો થઇ રહ્યો છે. નર્મદા ડેમમાં વરસાદી પાણી અને ઉપરવાસના કારણે નવા નીરની આવક વધતાં ડેમની સપાટી ૧૩૫.૬૫ મીટરે પહોંચતાં ડેમની જળસપાટી ફરી એકવાર વધી હતી. તો, પાણીની જળસપાટી વધતાં અને સતત ઓવરફ્લોને કારણે ડેમના તમામ પાવર હાઉસ ધમધમતા બન્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ડેમમાંથી હાલ ૫,૩૪,૨૭૧ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે, જેને પગલે ડેમના ૨૧ દરવાજા ખોલીને ૪,૪૭,૪૦૦ ક્યૂસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.હાલ ડેમની સપાટ ૧૩૫.૬૫ મીટર ઉપર પહોંચી છે. નર્મદા ડેમમાંથી મોટી માત્રામાં પાણી છોડવામાં આવતા કેવડિયાનો ગોરા બ્રિજ ફરી પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. જેથી ગોરા બ્રિજ પરનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. નર્મદા ડેમમાં હાલ ૪૮૦૩.૨૦ એમસીએમ લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. છેલ્લા ૨૭ દિવસથી સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે.