લાંબા વિરામ બાદ રાજ્યમાં અનેક સ્થળોએ મેઘરાજાએ મહેર વરસાવી

અમદાવાદ,તા.૩
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ધમરોળ્યા બાદ ગુજરાતના અન્ય સ્થળોએ માત્ર સામાન્ય વરસીને આરામ પર ઉતરેલા મેઘરાજાએ લાંબા વિરામ બાદ રાજયમાં અનેક સ્થળોએ પુનઃ મેઘમહેર જારી કરતા ખેડૂતોમાં હર્ષની લાગણી ફેલાઈ છે. દસ દિવસ કરતા વધારે સમય બાદ રાજયના વલસાડ, સુરત, ભાવનગર, જામનગર, વડોદરા, આણંદ અને ભરૂચ જિલ્લાઓમાં ફરી એકવાર વરસાદ શરૂ થયાના અહેવાલો સાંપડયા છે. જયારે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ૬ તારીખથી રાજ્યમાં અનેક સ્થળોએ ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું આગમન થશે. રાજયમાં ઘણા લાંબા સમયના વિરામ બાદ રાજ્યમાં અનેક વિસ્તારમાં શુક્રવારથી વરસાદની ફરી પધરામણી થઈ છે. ભાવનગર, વડોદરા, સુરત, આણંદ વલસાડ અને ભરૂચ જિલ્લાઓના વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે વાવણી લાયક વરસાદ પડ્યા બાદ વરસાદ ન પડતા ખેડૂતોમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું હતું. રાજ્યમાં હજી સામાન્ય કરતા ૧૦% ઓછો વરસાદ નોંધાયો છે. બીજી તરફ જે વિસ્તારમાં ઓછો વરસાદ પડ્યો છે ત્યાં પાકને બચાવવા માટે સરકાર તરફથી નર્મદા કેનાલમાં પાણી પણ છોડવામાં આવી રહ્યું છે. ભાવનગરમાં શુક્રવાર સવારથી મેઘરાજાની પધરામણી થઈ છે. અઠવાડિયાના વિરામ બાદ અહીં વરસાદનું ફરીથી આગમન થયું છે. જિલ્લાની વાત કરવામાં આવે તો અમુક વિસ્તારમાં ધીમીધારે તો અમુક જગ્યાએ ઝાપટાં પડ્યા છે. સુરત શહેરમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમુક જગ્યાએ ઝરમર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આણંદ જિલ્લાના અનેક વિસ્તારોમાં શુક્રવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે. તો અમુક જગ્યાએ સવારથી ધીમેધારે વરસાદ પડી રહ્યો છે. ભરૂચ જિલ્લાના હાંસોટ પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. લાંબા સમય બાદ અહીં વરસાદની પુનઃપધરામણી થઈ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks