અંકલેશ્વર, તા.૯
અમદાવાદ ખાતેતા ગુજરાત મુસ્લિમ લોયર્સ વોટસ્એપ ગ્રુપ દ્વારા ત્રણ તલાક બીલ ઉપર વિચારવિમર્શ કરવા માટે એક લીગલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાતભરમાંથી મુસ્લિમ વકીલ ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો અને શરિયત કાનુન અને હાલ કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવેલ બીલ ઉપર ચર્ચા કરવામાં આવી હતી.
આ સેમિનારમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પધારેલ મુસ્લિમ વકીલ ભાઈ-બહેનો પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા અને સર્વાનુમતે બીલને નકારી કાઢવામાં આવ્યું હતું અને રજૂ થયેલ બીલ ગેરબંધારણીય હોવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઓલઇન્ડિયા પર્સનલ લો બોર્ડના સભ્ય અને ગુજરાત હાઇકોર્ટેના કાઉન્સિલ જનાબ મોહમદ તાહીર હકીમ સાહેબ તથા ગુજરાત હાઇકોર્ટેના કાઉન્સિલ જનાબ મુહમ્મદ ફારૂક ખરાદીએ કુર્આનશરીફ તથા શરિયતમાં શું જોગવાઈઓ છે અને મોજૂદા બીલ કેવી રીતે ગેરબંધારણીય છે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તેમજ આ લીગલ સેમિનારનુંં સંચાલન કરનારના ગોધરાના એડવોકેટ રૂહુલઅમીન હઠીલાએ મુસ્લિમ વકીલોને પ્રથમ શરિયતને પોતે સંપૂર્ણ સમજવા અને કોર્ટમાં સહી તરિકાથી શરિયતના કાયદાને રજૂ કરવા જણાવ્યું હતું. આ તબક્કે મહિલા વકીલો પૈકી રાજકોટના ખૈરૂન્નિસા ભુવડ તથા જામનગરથી આમિનાબેન પાલેજા એડવોકેટ તથા ગોંડલના અસ્માબેન સૈયદ એડવોકેટનાઓએ પણ બીલને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું હતું. તેમજ પાલનપુરના એડવોકેટ જનાબ આરીફભાઈ સુમરા વડોદરાથી એડવોકેટ જીયાઉદ્દીન સૈયદ અમદાવાદના એડવોકેટ ઓવેશ મલેક નડિયાદના એડવોકેટ સાબિરભાઈ પીરઝાદા કચ્છ, જામનગર, પાટણ, વલસાડ, અંકલેશ્વર ડીસા, નડિયાદ, આણંદ વગેરે જિલ્લાઓ તથા દૂર દૂરના તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં પધારેલ તમામ વકીલ ભાઈ-બહેનોએ બીલ ઉપર પોતાના વિચારો રજૂ કર્યા હતા અને બીલને સર્વાનુમતે નકારી કાઢવામાં આવ્યું હતું. આ લીગલ સેમિનારને સફળ બનાવવા માટે અમદાવાદના એડવોકેટ મોઈન ખોખર તથા અન્ય વકીલ મિત્રોએ ખૂબ જ ખંતથી ખડે પગે સેવા બજાવી હતી, અંતે તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.