ગુજરાતના ૧.રર કરોડમાંથી ૯.૮૩ લાખ ઘરોમાં અજવાળું કરવા કેરોસીનના દીવાનો ઉપયોગ

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા. ૧૨
ગુજરાતમાં વિકાસના નામે સરકાર દ્વારા મોટા-મોટા બણગાં ફૂંકવામાં આવે છે પરંતુ હકીકતએ છે કે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં જ અન્ય રાજ્યોના પાટનગરને જોડતી ટ્રેન સેવા સરકાર ઉપલબ્ધ કરાવી શકી નથી. ઘરે-ઘર વીજળીના મોટા દાવા કરવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે રાજ્યમાં આજે પણ ૧.રર કરોડ ઘરોમાંથી ૯,૮૩,૮૧૩/- ઘરોમાં વીજળી ન હોવાથી કેરોસીનના દીવાથી અજવાળું કરવામાં આવે છે. ગુજરાતમાં ‘ખુરશી’ બચાવવા માટે હવાતિયાં મારી રહેલા ભાજપ સરકારના દરેક મંત્રી અને ધારાસભ્યો સામે તમામ વર્ગ દ્વારા ખુરશી ઉછાળી આક્રોશ વ્યકત કરવામાં આવી રહ્યો છે. ત્યારે બે દશકાથી વિકાસના નામે પ્રજાના પૈસે તાયફા કરતી ભાજપ સરકારની પોલ ખોલતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ.હિમાંશુ પટેલે જણાવ્યંું છે કે, વિકાસના નામે શોબાજીથી હવે વાસ્તવમાં જમીન ઉપર આવી ગયેલી ભાજપ સરકારે ગુજરાતમાં પ્રતિ લાખ વ્યક્તિએ સરેરાશ ૩૦૧.૬૦ કિ.મી. લંબાઈના જ રોડ બનાવ્યા છે. જે ભારતની સરેરાશ ૩૭૭.૬૦ કિ.મી. લંબાઈ સામે ઘણા ઓછા છે. તેમણે રાજ્ય સરકારના જ સ્ટેટિસ્ટિકલ આઉટલાઈન ગુજરાત સ્ટેટ અને એબ્સ્ટ્રેક્ટ ઓફ ગુજરાત સ્ટેટમાંથી વિગતો આપતાં જણાવ્યું છે કે, બુલેટ ટ્રેનને દેવાદાર તાયફો કરનાર મોદીથી રૂપાણી સરકાર ગુજરાતના પાટનગરના રેલવે સ્ટેશનેથી જ અન્ય રાજ્યોના પાટનગરને જોડતી ટ્રેન સેવા ઉપલબ્ધ કરાવી શકી નથી. જેમાં એલ.કે. અડવાણી સાંસદથી લઈ નાયબ વડાપ્રધાન રહ્યા હોવા છતાં ગાંધીનગરમાં પાટા ઉપર ટ્રેન દોડાવી શક્યા નથી. રાજ્યના રર,૮૧,પ૪ર ઘરોમાં મનોરંજન માટે રેડિયો, ટીવી, કોમ્પ્યુટર લેપટોપ કે ટેલિફોન નથી. એ જ રીતે ઘરોમાં પોતાની સાઈકલ કે કાર જીપ નથી. રાજ્યના ૩.પ૦ લાખ ખેડૂતો પોતાની જમીન વેચી ખેતમજૂરો બની ગયા. આદિવાસીઓ માટે મગરના આસું સારતી આ સરકારમાં ભારતના અતિપછાત ર૦ જિલ્લામાં ડાંગનો પણ સમાવેશ થાય છે. ગુજરાતનો સાક્ષરતા દર ર૦૦૧માં ૧૬માં ક્રમે હતો. તે ર૦૧૧માં ૧૭માં ક્રમે મોદી શાસનમાં જ થઈ ગયો ? રાજ્યના ૮ જિલ્લાઓમાં સાક્ષરતા દર ૭૩ ટકાથી પણ ઓછો રહેતા આ જિલ્લાઓ શૈક્ષણિક રીતે પછાત થઈ ગયા છે એજ રીતે મહિલા લિંગ પ્રમાણમાં ર૦૦૧માં ૯૧૯નું રહેલું પ્રમાણ ઘટીને ર૦૧૧માં ૯૧૮ થઈ ગયું છે. જેમાં બિહાર અને જમ્મુ-કાશ્મીર બાદ માત્ર ગુજરાતમાં જ આ પ્રમાણ ઘટ્યું છે. આ વાસ્તવિકતા હવે ભાજપ સરકારને પણ સમજાઈ હોવાથી ભાજપી નેતાઓ બેબકળા બન્યા છે પણ પ્રજા ચૂંટણીમાં જોરદાર જવાબ આપશે તે નક્કી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks