ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રૂપાણી અને ડે. સીએમ પદે નીતિન પટેલ યથાવત્‌

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.રર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ધાર્યા પરિણામો (૧પ૦+ બેઠકો) ન આવતા નિરાશ થયેલ ભાજપમાં નવી સરકાર બનાવવાના મુદ્દે કંઈક અંશે પુનઃ સંચાર થઈ રહ્યો છે. પરિણામ બાદથી રાજ્યનું સુકાન કોને સોંપવામાં આવે છે ? રૂપાણી રિપીટ થાય છે કે, પછી બદલવામાં આવે છે તે અંગેની અટકળો અને ચર્ચાઓનું બજાર વ્યાપક રીતે ગરમ બન્યું હતું. જેમાં મુખ્યમંત્રી બદલાય તો બીજા કોણ ? તે અંગેની ચર્ચામાં ચાર-પાંચ અગ્રણીઓના નામો પણ વહેતા થયા હતા. ત્યારે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની આજે મળેલી બેઠકમાં રાજ્યના નવા સુકાનીના નામ ઉપર મંજૂરીની મહોર લગાવી દેવામાં આવી હતી. રાજ્યનું સુકાન ફરીથી વિજય રૂપાણીને સોંપવાનો નિર્ણય લેવાયો છે. તે સાથે ડેપ્યુટી સીએમમાં પણ નીતિન પટેલને યથાવત્‌ રાખવામાં આવ્યા છે.
સામાન્ય રીતે પક્ષના ચૂંટાયેલા સભ્યો નિરીક્ષક તેમજ પ્રભારીની હાજરીમાં એકઠાં મળીને પોતાના નેતા અને ઉપનેતાના નામને સૂચવવામાં આવે છે. તેને પક્ષના ચૂંટાયેલા સભ્યો વધાવી લઈને હામી ભરે છે. તે પછી નવા મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવે છે. આ પ્રક્રિયારૂપે જ આજે રૂપાણીના નામની જાહેરાત કરવામાં આવતા છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી અટકોળોનો અંત આવ્યો હતો.
ગાંધીનગરમાં કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલી, નિરીક્ષક સરોજ પાંડે તેમજ ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીમાં પક્ષના ચૂંટાયેલા સભ્યો કમલમ ખાતે એકઠાં થયા હતા. ભાજપની બેઠકનો દોર ચાલ્યો હતો. લુણાવાડાના અપક્ષ ધારસભ્ય રતનસિંહ પણ ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે ભાજપને બિનશરતી ટેકો જાહેર કર્યો હતો.
કમલમ ખાતે અરૂણ જેટલીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ભાજપના તમામ ચૂંટાયેલા ધારાસભ્યો હાજર રહ્યાં હતા. અરૂણ જેટલીએ અલગ-અલગ મુખ્ય નેતાઓ સાથે બેઠક કરીને ચર્ચા કરી હતી. બેઠકમાં સીએમ અને ડેપ્યુટી સીએમ તરીકેની નિયુક્તિમાં સર્વસંમતિ સધાય તે જોવામાં આવ્યું હતું. કેન્દ્રીય નિરીક્ષકની સાથે ચર્ચા-વિચારણા બાદ ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યો વતી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નેતા તરીકે વિજય રૂપાણીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેને સર્વાનુમતે વધાવી લેવાતા વિજય રૂપાણીની મુખ્યમંત્રી તરીકે ઘોષણા કરવામાં આવી હતી. તે પછી ડેપ્યુટી સીએમ તરીકે નીતિન પટેલના નામની ઘોષણા કરવામાં આવી હતી. આ વખતે બે ડેપ્યુટી સીએમ રાખવામાં આવે તેવી ચર્ચા છેલ્લા બે દિવસથી ચાલી રહી હતી. પણ તેમ ન થતાં વિજય રૂપાણી અને નીતિન પટેલની જોડીને ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી છે.
સીએમ તરીકેની રેસમાં વિજય રૂપાણી સૌથી આગળ હતા. પક્ષની બેઠકમાં તેમના નામની સત્તાવાર ઘોષણા કરાતાં ચૂંટાયેલા સભ્યોએ તેને આનંદ સાથે વધાવી લીધી હતી. ઘણા નામો વિશે ચર્ચા થઈ હતી. પણ સીએમ રૂપાણીની ક્લિન ઈમેજને કારણે તેમને રીપિટ કરવામાં આવ્યા છે. ચૂંટણી પહેલાં પણ એવી જાહેરાત કરવામાં આવી હતી કે જો ગુજરાતમાં ભાજપની સરકાર આવશે તો વિજય રૂપાણી જ સીએમ રહેશે અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ જ રહેશે. સીએમ રૂપાણી અમિત શાહની ગુડબુકમાં પણ નામ ધરાવે છે અને તેઓ ક્લિન ઈમેજ ધરાવે છે. જેને કારણે વર્તમાન સ્થિતિમાં સીએમ માટે બિન વિવાદાસ્પદ ઉમેદવાર તરીકે તેઓ ફીટ બેસતા આખરે સીએમ તરીકે તેમની વરણી કરવામાં આવી છે.

ધારાસભ્યો પાસે અન્ય વિકલ્પ
નહોતો, સર્વસંમતિથી નિર્ણય


પત્રકારો સાથે વાતચીતમાં અરૂણ જેટલીએ કહ્યું હતું કે, જો તેમની પાસે કોઇ વિકલ્પ છે તો નામ સૂચવી શકે છે પરંતુ કોઇ નામ સુચવવામાં આવ્યા ન હતા જેથી રૂપાણી અને નીતિન પટેલ સર્વસંમતિથી પસંદગી કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, શપથવિધિને લઇને પ્રાથમિક તૈયારીઓ શરૂ કરવામાં આવી ચૂકી છે. નાણામંત્રી અરૂણ જેટલી અને ભાજપના જનરલ સેક્રેટરી સરોજ પાંડેની દેખરેખ હેઠળ ગુજરાતના નવા મુખ્યમંત્રી પસંદગી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેટલી અને પાંડેની નિમણૂંક પાર્ટીની કેન્દ્રીય નેતાગીરી દ્વારા નિરીક્ષક તરીકે કરવામાં આવી હતી. ગતરોજ વિજય રૂપાણીએ મંત્રીમંડળનું રાજીનામું રાજ્યપાલને સુપરત કર્યા બાદ આજે ભાજપના ધારાસભ્યોની બેઠકમાં નવા મુખ્યમંત્રીની જાહેરાત કરવામાં આવી હતી.

વિપક્ષ સહિત કોઈપણની સાથે ભેદભાવ રાખવામાં નહીં આવે


ભાજપની ચૂંટાયેલી પાંખના નેતા તરીકે ચૂંટાઈ આવેલ વિજય રૂપાણીએ નિયુક્તિ પછી આ જવાબદારી સોંપવા માટે ભાજપ મોવડી મંડળનો આભાર માન્યો હતો. ભાજપને ક્લિયર મેજોરિટી અપાવવા માટે તેમણે ગુજરાતની જનતાનો પણ આભાર માન્યો હતો. અને કહ્યું હતું કે, ” અનુભવ ચોક્કસપણે ઉપયોગી થશે. કેબિનેટ અને શપથવિધિ વિશે ટૂંક સમયમાં જાહેરાત કરાશે.” નવી સરકારમાં વિરોધ પક્ષ સારી એવી સંખ્યામાં છે તે અંગેના સવાલ અંગે પૂછાતા વિજય રૂપાણીએ કહ્યું હતું કે, “કોઈની સાથે પણ ભેદભાવ નહીં રખાય.” વિજય રૂપાણીએ કહ્યું હતું કે, “હું સૌથી પહેલાં કેન્દ્રીય નેતૃત્વનો આભાર પ્રગટ કરું છું. તેમણે અમારા પર ભરોસો મૂકીને અમને ગુજરાતની જવાબદારી સોંપી. ગુજરાતમાં જે સ્થિતિ હતી તેમાં ભાજપને ક્લિયર મેન્ડેટ આપ્યો તેનો હું આભારી છું. ગુજરાતની જનતાને હું વિશ્વાસ આપું છું કે જે રીતે તેમની અપેક્ષા છે તે રીતે કામ કરીશું” વિજય રૂપાણીએ કહ્યું હતું કે, “પીએમ મોદીનો અનુભવ, નીતિન પટેલનો સરકારમાં અનુભવ તથા મેં પણ સંગઠનમાં જે રીતે કામ કર્યું તે કામમાં આવશે. અમે ગુજરાતને આગળ લઈ જઈશું. પક્ષના વરિષ્ઠ લોકો સાથે ચર્ચા કરીને શપથવિધિનું સ્થળ અને કેબિનેટ અંગે નિર્ણય લઈશું અત્યારે કશું નિશ્રિત નથી. સોનો સાથ અને સૌનો વિકાસ એ દિશામાં અમે કામ કરીશું.”
અમે સાથે મળીને ગુજરાતને વધુ
આગળ લઈ જવા કામ કરીશું


(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.રર
વિજય રૂપાણી અને હું સાથે મળીને કામ કરીશું એમ આજે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે ડેપ્યુટી સીએમ તરીકે વરણી થયાં બાદ પત્રકારોને કરેલા સંબોધનમાં જણાવ્યું હતું. નીતિન પટેલે કહ્યું હતું કે “અરુણ જેટલીના અધ્યક્ષ સ્થાને નિરિક્ષક સરોજ પાંડે અને ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં વૈધાનિક પ્રક્રિયા પૂર્ણ કરીને સીનિયર નેતા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ અમારા નેતા વિજય રૂપાણીને સીએમ તરીકે સૂચિત કર્યા. અને તેનો સર્વસંમતિથી સ્વીકાર કરવામાં આવ્યો છે. જે રીતે અમે સાથે મળીને કામ કર્યું છે તે રીતે હું અને વિજય રૂપાણી આગળ પણ સાથે મળીને સરકાર અને સંગઠનમાં કામ કરીશું. જેથી દરેક નાગરિકને એવું લાગે કે ગુજરાતની સરકાર અમારી સરકાર છે. અમે ગુજરાતને વધું આગળ લઈ જવા પ્રયત્ન કરીશું.” તેમણે વધુમાં કહ્યું હતું કે “પીએમ મોદીને ગુજરાત માટે વિશેષ પ્રેમ છે. ગુજરાતને તેઓ ઉંચાઈ પર જોવા માંગે છે તે તેમના સપનાનું ગુજરાત બનાવવા કામ કરીશું.

વિજય રૂપાણી પ્રોફાઇલ

વિજય રૂપાણી બીજી ઓગસ્ટ ૧૯૫૬માં રંગૂનમાં જન્મ્યા હતા
૧૯૬૦માં પરિવાર સાથે રાજકોટ આવી ગયા હતા
વિદ્યાર્થી કાર્યકાળથી જ સામાજિક સેવા સાથે જોડાયેલા રહ્યા છે
બીએેએલએલબી સુધી અભ્યાસ કર્યો છે
૧૯૮૮થી ૧૯૯૫ દરમિયાન રાજકોટ મહાનગર પાલિકામાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મેયર રહ્યા
૨૦૦૬માં ગુજરાત રાજ્ય પ્રવાસ નિગમમાં રહ્યા હતા
૨૦૦૬થી ૨૦૧૨ દરમિયાન રાજ્યસભાના સાંસદ તરીકે
૨૦૧૩ના અંતમાં થોડાક સમય સુધી મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડમાં ચેરમેન રહ્યા ર૦૧પમાં સરકારના કેબિનેટ મંત્રી બન્યા.
૭મી ઓગસ્ટ ૨૦૧૬ના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા
ર૦૧૬માં ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks