(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧પ
કર્ણાટકમાં ત્રિશંકુ વિધાનસભાની પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે ચૂંટણીના સ્પષ્ટ પરિણામો પહેલાં ચાલુ મતગણતરી દરમિયાન જ ભાજપના નેતાઓએ વધુ પડતા આત્મવિશ્વાસમાં આવી એકબીજાને અભિનંદન પાઠવી મીઠાઈઓ ખવડાવી વિજયોત્સવ મનાવ્યો હતો પરંતુ સ્પષ્ટ પરિણામો બાદ ત્રિશંકુ પરિસ્થિતિ ઊભી થતાં ભાજપના નેતાઓ ભોંઠા પડ્યા હતા. ભાજપના ઉત્સાહી નેતાઓએ ભાજપ સરકાર રચવાનો દાવો કરે એ પહેલાં જ ઉજવણી કરી લેતા હાસ્યાસ્પદ સ્થિતિ સર્જાઈ હતી. ગુજરાતના મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સહિત રાજ્યના ટોચના બીજેપી નેતાઓએ ચાલુ મતગણતરી દરમિયાન જ ઉજવણી કરી લીધી હતી. આ દરમિયાન બીજેપી બહુમતી મેળવી લેશે તેમ લાગતું હોવાથી ભાજપના નેતાઓ વધુ પડતા જ ઉત્સાહમાં આવી ગયા હતા. પરંતુ થોડા સમયમાં જ પરિણામોમાં ચિત્ર બદલાયું હતું અને બીજેપી ૧૦૪ પર આવીને અટકી ગઈ હતી. આમ ગુજરાત ભાજપના નેતાઓ ભોંઠા પડી ગયા છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં આવેલા પરિણામો બાદ કોઈ એક રાજકીય પક્ષને બહુમતી મળી શકી નથી. કર્ણાટકમાં ઉભી થયેલી ત્રિશંકુ વિધાનસભાની પરિસ્થિતિને લઈને ભાજપના રાષ્ટ્રીય નેતાઓથી લઈને સ્થાનિક નેતાઓ સરકાર બનાવવા માટે તનતોડ પ્રયાસો કરી રહ્યા છે, આમ છતાં કર્ણાટકમાં ભાજપની જ સરકાર બનશે એવું છાતી ઠોકીને કહી શકાય તેમ નથી. આમ છતાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ટિ્વટ કરીને પક્ષના નેતાઓને અને કાર્યકરોને અભિનંદન આપી દીધા હતા. માત્ર એટલું જ નહીં ઉત્સાહી ગુજરાત ભાજપના નેતાઓએ ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ઉજવણી પણ કરી દીધી હતી. આ ઉજવણી કર્યા બાદ કર્ણાટકમાં ચિત્ર બદલાયું અને ભાજપના નેતાઓ મુંઝવણમાં મુકાઈ ગયા. હાલ તો ભાજપ સરકાર બનાવશે કે નહીં તે અંગે પણ અવઢવ ચાલી રહી છે. આમ ગુજરાત ભાજપના અતિઉત્સાહી નેતાઓ એ કરેલી ઉજવણી તેમને ભોંઠા પાડી દીધા છે.