પાટણ, તા.૧૯
સિદ્ધપુરના હેથળી રોડ પર આવેલી ર૪ એકરમાં પથરાયેલી અને રૂા.૧ર૦ કરોડના ખર્ચે બનેલી ગુજરાતની એકમાત્ર ૧૦૦ ટકા સરકારી હોમિયોપેથીક કોલેજનું ૪ તારીખે ઈન્સ્પેકશન પૂર્ણ થતાં હવે ટૂંક જ સમયમાં કોલેજ શરૂ થઈ જશે. અત્યંત સુવિધાયુક્ત બનેલી હોસ્પિટલ અને કોલેજમાં ૧રપ બેડવાળી હોસ્પિટલ અને ૧૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે. ખાનગી હોમીયોપેથીક કોલેજમાં વાર્ષિક દોઢથી બે લાખની ફી સામે અહીં માત્ર વાર્ષિક એક હજાર રૂપિયામાં જ વિદ્યાર્થી અભ્યાસ કરીને હોમિયોપેથી ડૉકટર બની શકશે. જ્યારે સરકારી હોમીયોપેથી કોલેજના નિયામક કંદર્પ દેસાઈ અને ડીન પીનાકીનભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે એલઓઈ (લટર ઓફ ઈન્ડેન) થઈ ગયું છે ને એલઓપી (લેટર ઓફ પરમીશન) મળતાં જ કોલેજ ચાલુ થઈ જશે.
આ અંગે આરએમઓ ડૉ. પ્રકાશભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે અહીં એક વિશાળ હોસ્પિટલ બિલ્ડીંગ બે માળનું બનાવેલું છે જેમાં ૩ ઓપરેશન થીયેટર, યોગારૂમ, ફીઝીયોથેરાપી રૂમ સહિત તમામ સુવિધાઓ લીફ્ટની સગવડ સાથે ઉપલબ્ધ છે. બે માળમાં બે પુરૂષ, બે સ્ત્રી, બે બાળકોના વોર્ડ છે. ૧રપ બેડની સુવિધા છે. જ્યારે ડીન પીનાકીનભાઈએ જણાવ્યું હતું કે ૪ તારીખે સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હોમિયોપેથીના આયુષ મંત્રાલયમાંથી ત્રણ જુદા જુદા કલકત્તા, યુપી, દિલ્હીના અધિકારીઓ દ્વારા ઈન્સ્પેકશન કરાયું છે. જેમાં તેઓને સંતોષ થયો છે. જેથી હવે ર૦ કે ર૬મીએ દિલ્હીમાં મળનારી મીટિંગમાં મંજૂરીની મહોર લાગી જશે.