(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.રર
ગુજરાત વિધાનસભાની ચાલુ વર્ષના અંત સુધીમાં યોજાનારી ચૂંટણીને લઈ ચૂંટણીપંચ હરકતમાં આવ્યું છે ચૂંટણીને લઈ ચૂંટણી અધિકારીઓની ચાર દિવસીય તાલીમનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ તાલીમ માટે કેન્દ્રીય ચૂંટણીપંચની ચાર સભ્યોની ટીમ ગઈકાલે જ ગાંધીનગર આવી ગઈ હતી. રાજયની ૧૮ર વિધાનસભા બેઠકની ચૂંટણી માટે ચૂંટણી અધિકારીઓને આજથી જીસીઆરટી અને પંડિત દિનદયાલ તાલીમ કેન્દ્ર ખાતે તાલીમ આપવાની શરૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત રાજયના વિવિધ જિલ્લાઓમાં ઈવીએમની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. જેમાં બિહાર અને ઉત્તર પ્રદેશથી આવેલા ઈવીએમનું ઈન્સ્પેકશન પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. ચૂંટણીપંચની તૈયારીઓ જોતા ડિસેમ્બર માસમાં ચૂંટણી યોજાય તેવી શકયતા છે. ચૂંટણીપંચે મતદારયાદી સુધારણા કાર્યક્રમ તેમજ નવા નામો દાખલ કરવાની ઝુંબેશ શરૂ કરી હતી. જે પૂર્ણ થઈ ગઈ હોવાથી હાલ ચકાસણી પ્રક્રિયા ચાલી રહી છે. ત્યાર બાદ રપ સપ્ટેમ્બરે પુરવણી મતદારયાદી જાહેર કરીને પ ઓકટોબર સુધીમાં નવા મતદારોને ચૂંટણીકાર્ડ અપાશે. ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીને લગતી કામગીરીમાં સંકળાયેલા કર્મચારીઓ અને અધિકારીઓની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવા સુચના આપવામાં આવી છે. ઉપરાંત લાંબા સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા કર્મચારી કે અધિકારીઓને બદલવાની પણ તાકીદ કરી છે એમ ચૂંટણીપંચ દ્વારા વિધાનસભાની ચૂંટણી માટે તડામાર તૈયારી શરૂ કરી દેવાઈ છે.