(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર
ગુજરાત વિધાનસભામાં ઓબીસી, દલિત, આદિવાસી, પાટીદાર, બ્રાહ્મણ સહિત દરેક જ્ઞાતિ કે સમાજનું પ્રતિનિધિત્વ વર્ષોથી જળવાઈ રહ્યું છે, કાં તો વધતું જાય છે પરંતુ રાજ્યમાં ૮૦ લાખથી વધુ વસ્તી ધરાવતા મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ વધવાને બદલે સતત ઘટી રહ્યું છે. એક સમયે ગુજરાત વિધાનસભામાં ર૭ મુસ્લિમ ઉમેદવાર ચૂંટાઈ આવતા હતા. પરંતુ મુસ્લિમ સમાજની સતત અવગણના, યોગ્ય નેતૃત્વનો અભાવ, ખાસ કરીને ભાજપ દ્વારા એકપણ મુસ્લિમ ઉમેદવાર ચૂંટાઈને ન આવે તેવી રમાતી ગંદી રાજરમતને પરિણામે ૧૯૮૦માં જ્યાં ૧ર ઉમેદવારો ચૂંટાઈ આવ્યા હતા તે ગુજરાતમાં ર૦૧રમાં માત્ર બે ઉમેદવારો જ ચૂંટાઈ આવ્યા છે. ત્યારે ભાજપે આ બે પણ ચૂંટાઈને ન આવે તેવા પ્રયાસો શરૂ કરી દીધા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ દેશમાંથી મુસ્લિમ નેતૃત્વ નામશેષ થઈ જાય તેવું ભાજપ ઈચ્છી રહ્યો છે અને તે માટેના પ્રયાસ પણ કરી રહ્યો છે. આથી જ્યાં મુસ્લિમ સાંસદો, ધારાસભ્યો, કાઉન્સિલરો બહુમતીથી ચૂંટાઈ આવતા હોય ત્યાં અપક્ષ કે નાના પક્ષોને ઊભા રખાવી ભાજપ મુસ્લિમ મતોનું વિભાજન કરાવી નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરતો આવ્યો છે. જેના ભાગરૂપે ગુજરાત વિધાનસભાને પણ ભાજપે મુસ્લિમ ધારાસભ્ય મુક્ત બનાવી સાફ કરવાનો સંકલ્પ લીધો છે. આ જ એજન્ડા અંતર્ગત વર્ષ-ર૦૧રમાં સ્પષ્ટ મુસ્લિમ બહુમતી ધરાવતી જમાલપુર બેઠક ભાજપે આંચકી લીધી હતી. જ્યારે દરિયાપુર બેઠક ખૂંચવી લેવા ભારે ધમપછાડા કર્યા હતા. ખુદ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ વિસ્તારમાં સભા અને રોડ-શો કર્યા છતાં દરિયાપુરની મુસ્લિમ બેઠક કોંગ્રેસે જાળવી રાખવા સફળતા મેળવી હતી. આમ દરિયાપુર અને વાંકાનેર બેઠક મળી બે જ બેઠક મુસ્લિમ ઉમેદવારોએ જાળવી રાખવા સફળતા મેળવી હતી. આ સમસ્યાનો અંત લાવવા પ્રથમ તો મુસ્લિમ સમાજે વધુમાં વધુ ઉમેદવારોને ટિકિટ મળે તેવા શાંતિપૂર્વકના પ્રયત્નો કરવા જોઈએ. ત્યારબાદ જે વિસ્તારમાં સર્વમાન્ય મુસ્લિમ ઉમેદવાર ઊભો હોય તેને સ્થાનિક લોકોએ સર્વાનુમતે લાયક ઠેરવી અન્યોને બેસી જવા સમજાવવા જોઈએ તેમ છતાં કેટલાક સત્તા લાલચુ, નાણાં લાલચુ ઉમેદવારો ન માને તો લોકોએ આવા ઉમેદવારોનો બહિષ્કાર કરવો જોઈએ. તો જ વધુમાં વધુ મુસ્લિમ ઉમેદવારોને ચૂંટી વિધાનસભામાં મુસ્લિમ સમાજનો અવાજ બનવા મોકલી શકાશે, નહીં તો બીજા પાંચ વર્ષ સુધી ચાની કીટલી, પાનના ગલ્લા પર અને સોશ્યલ મીડિયા પર બળાપો કાઢ્યા સિવાય કાંઈ નહીં બચે.